જુમાંજી ફિલ્મ જોઈ હશે તેમને ખ્યાલ હશે કે એકાએક જીવજંતુ કે ઈયળનું ઝૂંડ ઘરમાં ઘૂસી જાય છે. બસ આવું જ કાંઈક બન્યું છે સૌરાષ્ટ્રના અમરેલી પંથકના ત્રણ ગામોમાં. ગામડાંના લોકો આને ઈયળ કહે છે પણ આ જંતુ ઈયળ નથી. એ છે મિલીપીડ. મિલીપીડની ફોજ આવી ક્યાંથી, શું આ માણસને નુકસાન કરે છે, આ સવાલોના જવાબ જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં…. સવાલ-1 : ઘટના શું બની? જવાબ : વાત એમ છે કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બે તાલુકા છે- ખાંભા અને સાવરકુંડલા. તેમાં સાવરકુંડલાનું મિતિયાળા ગામ અને ખાંભા તાલુકાના બે ગામડાં નાનુડી અને ભાડ ગામમાં મોટી સમસ્યા આવી. સમસ્યા એવી હતી કે આજથી દસેક દિવસ પહેલાં આ ત્રણેય ગામમાં કાનખજૂરા જેવો જીવ જોવા મળ્યો. અંગ્રેજી નામ મિલીપીડ. તેના ત્રણેક દેશી નામ છે. ચૂડવેલ, લશ્કરી અને ભરવાડ… આ કાનખજૂરા જેવો જીવ એક, બે કે સો-બસ્સોની સંખ્યામાં નહીં. લાખોની સંખ્યામાં ગામડાંમાં પહોંચી ગયો… પહેલી નજરે જોતાં લોકો આને ઈયળ માને છે પણ આ ઈયળ નથી. ઈયળ નથી તો શું છે, તેની વાત આગળ કરીશું પણ ઘટના તરફ આગળ વધીએ. મિતિયાળા, નાનુડી અને ભાડ ગામમાં મોટી સંખ્યામાં મિલીપીડની ફોજ ઉતરી પડી. રસ્તા પર પથરાયેલી જોવા મળે, ગામના ચોરે, ઝાડ પર, ઘર અને દુકાનોની દીવાલો પર, ફળિયામાં, નળિયામાં, રસોડાંમાં ચૂલા પાસે, પાણીના માટલાં પાસે, ઘરમાં રાખેલા વાસણ ને કપડાં પાસે આ મિલીપીડ પહોંચી ગઈ. ટૂંકમાં, જ્યાં નજર કરો ત્યાં મિલીપીડ.. મિલીપીડ… મિતિયાળા ગામના કાળુશા પઠાણે કહ્યું કે, આ ભરવાડ ઈયળ એટલી મોટી સંખ્યામાં છે કે જમીન પર પગ મૂકતાં ડર લાગે. જમવું હોય તો વિચાર કરવો પડે. ગામના લોકો તો પલંગ પર ચડીને જમે છે. ધાબા પરથી, ઘરમાં છત પરથી ઈયળો ટપોટપ પડે. નીચે ખોરાકમાં કે પાણીમાં ન પડે તેનું બહુ ધ્યાન રાખવું પડે. મિતિયાળામાં તો સતત ચાર વર્ષથી નીકળે છે. એ પહેલાં અમે આટલી મોટી સંખ્યામાં જોઈ નથી. તો નાનુડી ગામના કાનજીભાઈ સાપરિયાએ કહ્યું, અમને તો શાંતિથી બેસવા દેતી નથી. બટકાં ભરી જાય છે. મારી દુકાન છે. પણ એટલી સંખ્યા હોય છે કે ક્યારેક તો એવું થાય કે દુકાને અવાય જ નહીં. અમારે નાનુડીમાં તો તોય સંખ્યા ઓછી છે પણ મિતિયાળાની હાલત ખરાબ છે. બે વર્ષ પહેલાં ભરવાડ ઈયળ દેખાઈ હતી. ગયા વર્ષે નહોતી. અમને દુ:ખ તો એ વાતનું થાય કે ખબર હોવા છતાં અમે અનેક જીવ મારીએ છીએ. લાખો જીવ પગ નીચે પિલાય છે. પણ શું કરીએ… સવાલ-2 : લાખોની સંખ્યામાં મિલીપીડ આવી ક્યાંથી? જવાબ : મિતિયાળાની આસપાસનો ડુંગરાળ વિસ્તાર મિલીપીડનું ઘર. જમીનમાં, પોચી માટીમાં આ જીવ રહે. નિવૃત્ત એન્ટોનોલોજિસ્ટ (કીટક શાસ્ત્રી) ડૉ. વી.એન.પટેલ કહે છે, અમારાં કીટક શાસ્ત્રમાં મિલીપીડનો સમાવેશ થતો નથી. કારણ કે આ કીટકની કેટેગરીમાં આવતી નથી. એટલે ઈયળ નથી. મને યાદ છે, દસેક વર્ષ પહેલાં 2015 આસપાસ જસદણ પંથકના ત્રણેક ગામોમાં મિલીપીડ બહુ મોટી સંખ્યામાં પહોંચી ગઈ હતી. આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલી સંખ્યા હતી. દીવાલો પરથી નીચે પડે, ઘરમાં છત પરથી આપણા માથાં પર પડે. આવું ગુજરાતમાં ઘણી જગ્યાએ થયા કરે છે. ડૉ. વી.એન.પટેલ આનું કારણ સમજાવતાં કહે છે કે, મિલીપીડને કોહવારો બહુ ગમે. કોહવારો એટલે સડેલાં પાંદડાં, સડેલાં શાકભાજી, ફળ, સડેલાં ઘાસનો જથ્થો… આ કચરો ખાવા માટે એ સીમથી ગામ તરફ આવે. મિલીપીડની ખાસિયત એ છે કે તે એકસાથે જ રહે. એટલે લાખોની સંખ્યામાં નીકળી આવે. ગામડાંમાં ગાડાં માર્ગે કે કેડીએ ને હવે તો સીંગલ પટ્ટી રોડ થઈ ગયા તો ત્યાં ચાલીને જતી હોય ને વાહન નીચે કચડાઈને મરી જાય. મિલીપીડ મરે એટલે ચોક્કસ પ્રકારની વાસ આવે. આ તીવ્ર વાસથી આકર્ષાયને બીજી મિલીપીડ્સ મોટી સંખ્યામાં એ દિશામાં પહોંચી જાય. ડૉ. વી.એન.પટેલ કહે છે, આને લોકો હિંસક રીતે મારે છે. કોઈ દવા છાંટે છે, કોઈ પિલાઈ જાય છે. પણ મિલીપીડ ગામ સુધી પહોંચે જ નહીં તેના અહિંસક રસ્તા ઘણા છે. જેમ કે, તેના એન્ટ્રી પોઈન્ટ બંધ કરી દેવા જોઈએ. ગામ ફરતે દોઢ ફૂટની નહેર કરી દેવી જોઈએ જેથી જ્યારે મિલીપીડ ગામ તરફ આવે તો સરકતી સરકતી નહેરમાં પડી જાય. પછી ઉપર ચડી ન શકે. સૌથી અગત્યની વાત એ કે ગામમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. કચરો પડેલો હશે તો એ ગમે ત્યાંથી ખાવા પહોંચી જશે. મિલીપીડને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર તરીકે લસણ, તમાકુ કે ફૂદીનાના પાનને પાણીમાં મિક્સ કરીને તે પાણીનો છંટકાવ કરવો. એટલે દૂર ભાગી જશે. મુદ્દો એ છે કે પડતર જમીનમાંથી મિલીપીડ લાખોની સંખ્યમાં નીકળી આવે છે ને આવું ચોમાસાંમાં જ થાય છે. સવાલ-3 : આવું થવા પાછળનું કારણ શું? જવાબ : ગુજરાત યુનિવર્સિટીના ઝૂલોજી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.ગૌરાંગ સિંધવ આનો જવાબ આપતાં કહે છે, આવું થવા પાછળનું કારણ એ છે કે ચોમાસાંમાં મિલીપીડ માટે ફેવરેબલ વાતાવરણ હોય. તેને ભેજ પસંદ છે. આ સીઝનમાં રિપ્રોડ્યુસ થાય છે. રિપ્રોડ્યુસ એટલે જમીનમાં મૂકેલાં ઈંડામાંથી બહાર આવેલી ઈયળ મોટી થાય છે ને નીકળી પડે છે. એની લાઈફ સાયકલ ફિક્સ છે. ચોમાસું પૂરું થયા પછી મિલીપીડ દેખાતી નથી. પણ બીજા વર્ષે જ્યારે ફરી ચોમાસું શરૂ થાય છે ત્યારે જમીનમાં મૂકેલા ઈંડામાંથી નવી મિલીપીડ જન્મીને બહાર નીકળે છે. નીચેના વીડિયો પર ક્લિક કરીને તેની સંખ્યા જુઓ… આવું થવા પાછળ એવું કોઈ કારણ નથી કે મિલીપીડ અચાનક નીકળી પડી ને ગામમાં ઘૂસી ગઈ. આ નેચરલ સાયકલ છે. આવું દર વર્ષે થાય છે. આ જીવ એવો છે કે ખૂબ જ ઓછા સમય માટે આવે છે અને સારી રીતે ગ્રો કરે છે. એ કંઈક ને કંઈક મોટું યોગદાન પર્યાવરણમાં આપતા જ હશે. એમનું યોગદાન શું છે એ જાણવા અમારું રિસર્ચ ચાલે છે. દરેક મિલીપીડનું ઉદ્ભવ સ્થાન અલગ-અલગ હોય છે, પણ ગુજરાતમાં જોવા મળતી મિલિપીડનું ઉદ્ભવ સ્થાન દક્ષિણ ભારત માનવામાં આવી રહ્યું છે. આપણે ત્યાં જે મિલિપીડ જોવા મળે છે, જેની લંબાઈ 3થી 4 સેન્ટિમીટર હોય છે. એવી પણ પ્રજાતિ જોવા મળી જેની લંબાઈ અમુક મિલિમીટર જ હોય. જ્યારે ઘણી પ્રજાતિની લંબાઈ 25થી 30 સેન્ટિમીટર પણ નોંધાઈ છે. ગામડાંના લોકો મિલીપીડની સાઈઝ અને ચાલવાની લઢણ જોઈને ઈયળ માની લે છે. પણ મિલીપીડ એ ઈયળ નથી… સવાલ-4 : મિલીપીડ ઈયળ નથી તો શું છે? જવાબ : મિલીપીડ પર પીએચ.ડી. કરનાર રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. રિધમ દવે કહે છે, આ જીવનું અંગ્રેજી નામ મિલીપીડ છે. ગુજરાતમાં પ્રાંત મુજબ અલગ અલગ નામ છે. ઉત્તર ગુજરાતમાં ચૂડવેલ તો સૌરાષ્ટ્રમાં ભરવાડ કહે છે. કોઈ લશ્કરી પણ કહે છે. જંગલની જમીનમાં અંદર આ જીવ રહે. પણ હવેના સમયમાં ખોદકામ વધી ગયું છે એટલે મિલીપીડ વધારે સંખ્યામાં બહાર નીકળવા લાગી છે. એક માદા મિલીપીડ 100થી 400 ઈંડા મૂકે. એક ઈંડામાંથી પાંચ દિવસમાં બચ્ચું બહાર આવી જાય. હવે વિચારો, એ 400 બચ્ચાં જન્મે તે ટૂંકા સમયમાં બીજાં 400-400 ઈંડા મૂકે. એટલે થોડા ગાળામાં જ મિલીપીડની વસ્તી કૂદકે ને ભૂસકે વધી જાય. ઈંડામાંથી બહાર આવેલી મિલીપીડ (જેને ગામડાંના લોકો ઈયળ ગણે છે) તે ધીમે ધીમે મોટી થાય ને જમીનની બહાર આવી જાય. જમીનની બહાર ચોમાસાંના બે મહિના રહે. પછી જમીનની અંદર જતી રહે. ગુજરાતમાં જોવા મળતી મિલીપીડનું આયુષ્ય એક વર્ષનું છે. ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઝૂલોજીના રિસર્ચ સ્કોલર કુલદીપસિંહ મોરી કહે છે, મિલીપીડ એ ઈયળ નથી. તે અલગ પ્રકારનું એનિમલ છે. આને આર્થ્રોપોડા કહે છે. આર્થ્રોપોડાની અંદર ઘણી પ્રજાતિ આવે. તેમાં ગુજરાતના ગામડાંમાં જે જોવા મળે છે તે ડિપ્લોપોડા છે. ડિપ્લો એટલે બે જોડી અને પોડા એટલે પગ. એવો જીવ જેને બે જોડી પગ છે. જેમ કે કાનખજૂરો. કાનખજૂરાને જોશો તો તેના શરીરમાં ભીંગડાં હોય છે. એક ભીંગડાંમાં એક-એક પગ હોય. પણ મિલીપીડને એક ભીંગડાંમાં બબ્બે પગ હોય છે. ‘મિલીપીડ’ શબ્દનો અર્થ જ થાય છે- હજાર પગવાળું. આ જીવનું અસ્તિત્વ આજકાલનું નથી. 40 કરોડ વર્ષ પહેલાં જ્યારે દરિયામાંથી જમીન પર નવી સૃષ્ટિની રચના થઈ ત્યારે આ મિલીપીડ જીવના ફોસિલ્સ (અવશેષો) જોવા મળ્યા હતા. એટલે આ જીવ બહુ જૂનો છે. કુલદીપસિંહ મોરીએ આશ્ચર્યજનક વાત એ કરી કે, જેમ આપણને ભગવાને શરીરની અંદર ફેફસાં આપ્યાં છે, બહાર દેખાતા નથી. તેમ મિલીપીડને સ્કીન પર બહારના ભાગે ફેફસાં આપ્યાં છે. તેના કારણે તે ભેજવાળા વાતાવરણમાં સરસ હવા લઈ શકે છે. તડકામાં તે સારી રીતે શ્વાસ લઈ શકે નહીં. પણ મિલીપીડની સૌથી મોટી ખાસિયત એ છે કે તે હવામાં વિશિષ્ટ પ્રકારની ગંધ છોડી શકે છે. સવાલ-5 : મિલિપીડમાં હવામાં ગંધ કેમ છોડે છે? જવાબ : દરેક જીવને ભગવાને પોતાનું રક્ષણ કરવાની શક્તિ આપી છે. નાગ ફૂંફાડો મારે, ગાય શિંગડાં મારે, વીંછી ડંખ મારે તેમ મિલીપીડને પોતાના બચાવ માટે કુદરતે કમાલનું હથિયાર આપ્યું છે તે છે હવામાં ગંધ છોડવાની શક્તિ. મિલિપીડ જીવે કે મરી જાય તેના શરીરમાંથી અલગ પ્રકારની દુર્ગંધ આવતી હોય છે. આ બાબતે રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. રિધમ દવેએ કહ્યું, હકીકતમાં દુર્ગંધ એના મરી જવાથી આવતી નથી, પણ મિલીપીડ પોતાના બચાવ માટે ઘણા બધા પ્રકારનાં ઝેરી રસાયણો છોડી શકે છે. ઉદાહરણ તરીકે સાઇનાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડ, આ જ કારણ છે કે કોઈ પંખીઓ મિલીપીડને ખાતા નથી. જેમ કે ચીબરી, કાગડા, કાબર જેવા પક્ષીઓ ઝાડના પાન પર બેઠેલી ઈયળને ચાંચમાં લઈ જાય છે તે રીતે કોઈ પંખી મિલીપીડને ખાતા નથી. કુદરતે મિલીપીડને તેના શરીરના પડખાંમાં ખાસ અંગો આપેલાં છે. એ બહુ બારીક કાણાં હોય. માઈક્રોસ્કોપથી જ દેખાય. પડખાંમાં આવેલા આ અંગોમાંથી મિલીપીડ હવામાં કેમિકલ છોડે છે. જો તમે મિલીપીડને હાથમાં પકડો ને તરત છોડી દો તો પણ આપણા હાથમાં ચોક્કસ પ્રકારની વાસ બેસી જશે. પણ તેણે છોડેલા કેમિકલની આટલી માત્રાથી મનુષ્યને કોઈ મોટું નુકસાન થતું નથી, હા વધારે પડતું કેમિકલ છોડે તો આંખો બળવી, લાલ ચાઠાં પડવા જેવી અસર દેખાય છે. મિલીપીડનો સૌથી મોટો ત્રાસ જાપાનમાં છે. જાપાનમાં તો એવી હાલત થાય છે કે મિલીપીડ લાખો નહીં, કરોડોની સંખ્યામાં ઉમટે છે. ઘણીવાર તો લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. ટ્રેનો રોકી દેવી પડે છે. વિશ્વમાં મિલીપીડની 13 હજાર પ્રજાતિ છે. ભારતમાં 260 છે. તેમાંથી એક ડઝન પ્રજાતિ તો ગુજરાતમાં જોવા મળી જાય.
સૌરાષ્ટ્રમાં મિલીપીડની ફોજ ઉતરી, ફિલ્મ જુમાંજી જેવા સીન:40 કરોડ વર્ષથી હજુ કેવી રીતે જીવે છે, હવામાં ગંધ છોડી પોતાનો જીવ બચાવે
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
