મોરબી-માળિયા નેશનલ હાઇવે પર ભીમાસર ચોકડી પાસેથી રેન્જ આઈજીની ટીમે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 16,924 બોટલ દારૂ-બિયર અને વાહન સહિત કુલ રૂ. 34.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રેન્જ આઈજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, બનાસકાંઠાથી કચ્છ તરફ દારૂનો જથ્થો ભરેલો એક ટ્રક આવી રહ્યો છે. જેના આધારે, રેન્જ આઈજીની ટીમે ભીમાસર ચોકડી પાસે નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ બાતમી મુજબનો ટ્રક તાલપત્રી બાંધીને પસાર થતાં તેને રોકવામાં આવ્યો હતો. ટ્રકની તલાશી લેતા તેમાંથી દારૂ-બિયરની કુલ 16,924 બોટલો મળી આવી હતી. ઝડપાયેલા દારૂ-બિયરની કિંમત રૂ. 24.03 લાખ અને ટ્રકની કિંમત રૂ. 10 લાખ આંકવામાં આવી છે. આમ, કુલ રૂ. 34.08 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના લાલાજી કી ડુંગરી ગામના રહેવાસી ખેતારામ ઠાકુરામ માજીરાણા નામના આરોપીની ધરપકડ કરી છે. આ મામલે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને દારૂનો જથ્થો મોકલાવનાર અને મંગાવનાર સહિતના અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીએસઆઈ એમ.એચ. જાડેજા, ડી.સી. ઠાકોર, રસિકભાઈ પટેલ, પૃથ્વીસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા અને જયપાલસિંહ ઝાલા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.
બનાસકાંઠાથી ટ્રકમાં દારૂનો જથ્થો કચ્છ પહોંચે તે પહેલા ઝડપાયો:પોલીસે માળિયા હાઇવે પરથી 16,924 બોટલ દારૂ સાથે એક શખસને ઝડપ્યો, 34.08 લાખનો મુદ્દામાલ કબજે
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
