ભરૂચ જિલ્લામાં દશામાંના દસ દિવસના વ્રતની પૂર્ણાહુતિ શનિવારે થઈ હતી. આ સાથે જ માતાજીની પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરાયું. વહેલી સવારથી જ ભક્તો ટ્રેક્ટર, ટેમ્પા જેવા વાહનોમાં પ્રતિમાઓ લઈને નદી, તળાવ અને નહેરના કિનારે પહોંચ્યા હતા. વિસર્જન પૂર્વે ભાવિકોએ માતાજીની આરતી ઉતારી પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. ‘જય દશામાં’ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. રાત્રી જાગરણ બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીને વિદાય આપી. ભરૂચના ઝાડેશ્વર સ્થિત નર્મદા પાર્કના ઘાટ ખાતે પંચાયત દ્વારા દશામાંની પ્રતિમાઓના વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી. અહીં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રતિમાઓનું વિસર્જન કર્યું. વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત અને ફાયર વિભાગના જવાનો તૈનાત કરાયા હતા.
દસ દિવસના વ્રત બાદ દશામાંની પ્રતિમાઓનું વિસર્જન:ભરૂચમાં ભક્તિભાવપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં વિદાય અપાઈ, ભક્તો ઉમટ્યાં
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
