શહેરમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ અને નાઈટ ચેકિંગના દાવા વચ્ચે શહેરના ચાંદખેડા વિસ્તારમાં યોગીનગર પાસે પાન પાર્લર પર કેટલાક શખ્સો દ્વારા મારામારી કરવામાં આવી હતી. PCR વાન આવી હતી ત્યારે પોલીસ હોવા છતાં પણ કેટલાક લોકો લાકડી લઈ ઝઘડો કરવા પર ઉતરી આવ્યા હતા. પાન પાર્લર ચાલુ રાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો કરી ગાડી અને રિક્ષામાં આવેલા શખ્સો દ્વારા મારામારી કરવામાં આવી હતી. પાન પાર્લર બહાર ખુરશીઓ તોડી નાખી
મારામારી ઉપરાંત લાકડીઓ વડે ખુરશીઓ પણ તોડી નાખવામાં આવી હતી. પોલીસની હાજરીમાં પણ બોલાચાલી જોવા મળતા પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રહ્યો ન હોય તેવું જોવા મળ્યું હતું. ચાંદખેડા વિસ્તારમાં રાત્રિના સમયે થયેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર જાગ્યું હતું. આ મામલે યુવકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પાર્લર કેમ ચાલુ કર્યું કહીને બબાલ કરી
મળતી માહિતી મુજબ ચાંદખેડા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ ના ખોડીયાર નગરમાં ધાર્મિકસિંહ ચૌહાણ તેમના પરિવાર સાથે રહે છે અને યોગીનગરમાં જય માતાજી પાન પાર્લર નામથી પોતાની દુકાન ધરાવે છે. 20 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે ધાર્મિક, સીનાભાઈ, અનિરુદ્ધસિંહ અને અન્ય ગ્રાહકો પાન પાર્લર ખાતે હાજર હતા. તે દરમિયાન રિક્ષા લઈને સૂરમો આવત નામનો વ્યક્તિ આવ્યો હતો અને તે પાર્લર કેમ ચાલુ કર્યું? તારું પાર્લર બંધ કરી દેજે નહિતર જોઈ લઈશ એવી ધમકી આપી હતી. એ સાથે જ ગાળાગાળી કરવા લાગ્યો હતો જેથી તેને ગાળો બોલવાની ના પાડી હતી. લાલ ગાડીમાં આવીને શખસોએ તોડફોડ કરી
ધાર્મિકસિંહે જણાવ્યું હતું કે, મેં રોજીરોટી માટે ભાડેથી ગલ્લો ખોલ્યો છે, જેથી તે ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી કરી મારામારી કરવા લાગ્યો હતો. જેથી ધાર્મિકસિંહના ભાઈએ વચ્ચે પડીને છોડાવ્યો હતો ત્યારબાદ સૂરમો ત્યાંથી દૂર જતો રહ્યો હતો અને ફોન ઉપર કોઈની સાથે વાતચીત કરી રહ્યો હતો. થોડા સમયમાં એક સફેદ કલરની અને બીજી લાલ કલરની ગાડી આવી હતી. જેમાંથી લાકડીઓ લઈ કેટલાક શખ્સો ઉતર્યા હતા અને ગાળો બોલી પાન પાર્લર બહાર પડેલી ખુરશીઓમાં તોડફોડ કરવા લાગ્યા હતા. આ સમયે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને બોલાચાલી ના પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. PCR આવી છતા શખસો લાકડીઓ સાથે જોવા મળ્યા
વધારે ઝઘડો ન થાય તેના માટે ધાર્મિકસિંહ પોતાનું પાન પાર્લર પણ બંધ કરી દીધું હતું. ત્યારે પોલીસની PCR વાન પણ આવી હતી. જો કે પોલીસની હાજરીમાં જ લાકડી લઈને લોકો ઊભા હતા ત્યારે પોલીસનો કોઈપણ પ્રકારનો ડર ન હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. એક સમયે જ્યારે પોલીસની વાન સાયરન વગાડતી આવે ત્યારે લોકોમાં ભાગદોડ મચી જતી હતી પરંતુ હવે પોલીસનો લોકોમાં કોઈ ડર રહ્યો નથી. હથિયારો ના રાખવાનું જાહેરનામું હોવા છતાં પણ લોકો બેફામ લાકડીઓ લઈને ફરતા હોય છે ત્યારે સમગ્ર મામલે ચાંદખેડામાં પોલીસનો ડર ન હોય તેવી સ્થિતિ જોવા મળી છે. ધાર્મિક સિંહની પોલીસ દ્વારા પહેલા અરજી લેવામાં આવી અને વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ચાંદખેડામાં પાન પાર્લર પર લોકોના ટોળાની તોડફોડ અને મારામારી:પોલીસની હાજરીમાં લાકડીઓ સાથે જોવા મળ્યા, ભાડેથી પાન પાર્લર ચલાવનારને બંધ કરી દેવાની શખસોએ ધમકી આપી
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
