સુરતના જાણીતા મહિધરપુરા વિસ્તારમાં આવેલી કાપડની દુકાનમાંથી થયેલી લાખો રૂપિયાની રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલવામાં મહિધરપુરા પોલીસને મોટી સફળતા મળી છે. બેગમવાડી સ્થિત મિલાન ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે આવેલા ‘રબ્બાની ફેબ્રિક્સ’ નામના વેપારીના શોરૂમને તસ્કરે નિશાન બનાવ્યો હતો. આરોપીએ રાત્રિના અંધારાનો લાભ લઈ દુકાનના બાથરૂમની પાછળ આવેલી લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કેશ કાઉન્ટર તોડીને તેમાં રાખેલા આશરે રૂ. 10 લાખની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.
CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પૂર્વ કર્મચારીની ધરપકડ
બનાવની જાણ થતાં જ મહિધરપુરા પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે માર્કેટ તથા આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોની છાનબીન આદરી હતી. સઘન તપાસ દરમિયાન પોલીસને સફળતા મળી હતી અને આ જ દુકાનમાં અગાઉ કામ કરી ચૂકેલા 26 વર્ષીય સમીર જમાલ અન્સારીની અટકાયત કરવામાં આવી હતી. કડક પૂછપરછ દરમિયાન તેણે જ આ ચોરી અંજામ આપી હોવાની કબૂલાત કરી હતી.
સંપૂર્ણ રૂ. 10 લાખની રોકડ રકમ રિકવર
પોલીસે આરોપી સમીર અન્સારી પાસેથી ચોરાયેલી તમામ રૂ. 10 લાખની રોકડ રકમ કબ્જે કરી સંપૂર્ણ રિકવરી મેળવી લીધી છે. દુકાનની તમામ ભૌગોલિક સ્થિતિ અને કેશ કાઉન્ટરથી વાકેફ હોવાથી આરોપીએ આ ચોરીનું આયોજન કર્યું હોવાનું સામે આવ્યું છે. મહિધરપુરા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધીને તેની વિધિવત ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
