સુરતના કામરેજ વિસ્તારમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે.કામરેજના કોસમાડા અને એન્થમ સર્કલ વિસ્તારમાં આવેલી હોટલો તથા ખાણીપીણીના વિવિધ સ્ટોલો પર ફૂડ વિભાગ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા.આ કામગીરી માટે ફૂડ સેફ્ટી ઓફિસરોની બે વિશેષ ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
2 હોટલોને સ્થળ પર જ બંધ કરાવવામાં આવી
તપાસ દરમિયાન કેટલીક હોટલોમાં ભારે અસ્વચ્છતા,સાફ-સફાઈ અને હાઈજીનનો ગંભીર અભાવ જોવા મળ્યો હતો, સાથે જ ફૂડ સેફ્ટી કાયદાના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવતાં તંત્ર દ્વારા આકરાં પગલાં ભરીને 2 હોટલોને સ્થળ પર જ બંધ કરાવવામાં આવી છે.
નિયમોનું પાલન ન કરનારા એકમો સામે કાર્યવાહી કરાશે
ઉલ્લેખનીય છે કે,નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં રોકવા માટે સમગ્ર ગુજરાતમાં હોટલો, રેસ્ટોરન્ટો તેમજ ખાણીપીણીના એકમોમાં સાફ-સફાઈ અને હાઈજીનને લઈને સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં પણ નિયમોનું પાલન ન કરનારા અને અસ્વચ્છતા રાખનારા એકમો સામે આ જ પ્રકારે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
