Bharuch News: જંબુસરની સારોદ હાઇસ્કૂલમાં બાળકો પાસે સફાઈ કરાવવાનો વીડિયો વાયરલ

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલી સારોદ ગામની સાર્વજનિક હાઇસ્કૂલ વિવાદના વંટોળમાં સપડાઈ છે. શાળામાં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓ પાસે શાળા પરિસરની સફાઈ કરાવવામાં આવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વાયરલ થયેલા વીડિયોમાં શાળાના બાળકો પોતાના હાથમાં સાવરણા અને સફાઈના સાધનો લઈને સફાઈ કામગીરી કરતા નજરે પડી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

માસૂમ વિદ્યાર્થીઓ પાસે મજૂરી જેવી કામગીરી 

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા દરેક ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓને સફાઈ કામગીરી તેમજ મકાન સમારકામ માટે ચોક્કસ સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આમ છતાં, શાળા પ્રશાસન દ્વારા સફાઈ કર્મચારીઓ રાખવાના બદલે માસૂમ વિદ્યાર્થીઓ પાસે મજૂરી જેવી કામગીરી કરાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સરકારી ગ્રાન્ટ મળવા છતાં બાળકો પાસે આ પ્રકારે કામ કરાવવું એ શિક્ષણ ધામની મર્યાદા પર સવાલો ઊભા કરે છે.

જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને બાળ મજૂરી પ્રતિબંધનો કાયદો

આ સમગ્ર મામલે સારોદ ગામના જાગૃત નાગરિક અકરમ સઈદ બાપાએ આકરી ટીકા કરી છે અને સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને વિધિવત લેખિત ફરિયાદ સોંપી છે. ફરિયાદમાં જણાવાયું છે કે માસૂમ બાળકો પાસે સફાઈ કરાવવી એ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને બાળ મજૂરી પ્રતિબંધ સંબંધિત કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેમણે આ મામલે તાત્કાલિક અસરથી તટસ્થ તપાસ સમિતિ નીમીને શાળાના જવાબદાર સંચાલકો તથા શિક્ષકો સામે કાયદેસરની આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રાજ્ય સરકારના શિક્ષણના સ્તરને ઊંચું લાવવા પ્રયાસો

આ ઉપરાંત, અરજીમાં શાળાને મળતી સરકારી સફાઈ ગ્રાન્ટ અને સમારકામ ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ રહ્યો છે તે અંગે પણ નાણાકીય તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે. એક તરફ રાજ્ય સરકાર શિક્ષણના સ્તરને ઊંચું લાવવા પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી તરફ આવી ઘટનાઓ સામે આવતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ ચર્ચિત કેસમાં ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શું તપાસ હાથ ધરવામાં આવે છે અને કસૂરવારો સામે કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચોઃ Surat News: કામરેજમાં હાઈજીનના અભાવે ફૂડ વિભાગે બે હોટલો સીલ કરી દીધી,ખાણીપીણીના એકમોમાં ફફડાટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *