રાજ્યભરમાં નાની વયે કે અચાનક આવતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામેથી એક અત્યંત કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જલોત્રા ગ્રામ પંચાયતના સરપંચ પતિ મહેશભાઈ ચૌધરીને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બે સગા ભાઈઓના અકાળે અવસાન
મહેશભાઈને હોસ્પિટલ લઈ જવાયા હોવાની જાણ થતાં જ તેમના સગા મોટાભાઈ ધીરુભાઈ ચૌધરી પણ ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. ભાઈની ચિંતા અને આઘાતમાં ને આઘાતમાં ધીરુભાઈને પણ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તબીબોની ટીમે બંને ભાઈઓને બચાવવા માટે સતત પ્રયાસો કર્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ બંને સગા ભાઈઓએ એકપછી એક દમ તોડી દીધો હતો. એક જ ઘરમાંથી અને એક જ દિવસે બે સગા ભાઈઓના અકાળે અવસાન થતાં ચૌધરી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
સારવાર દરમિયાન બંને ભાઈઓએ તોડ્યો દમ
ગામના વિકાસ કાર્યોમાં સક્રિય એવા સરપંચ પતિ મહેશભાઈ અને તેમના મોટાભાઈ ધીરુભાઈના એકસાથે જવાથી આખું ગામ સ્તબ્ધ બની ગયું છે.જ્યારે બંને સગા ભાઈઓની નશ્વર દેહને ઘરે લાવવામાં આવ્યા અને તેમની એકસાથે અર્થી ઉઠાવાઈ, ત્યારે સ્મશાનયાત્રામાં જોડાયેલા તમામ ગ્રામજનો અને સ્નેહીઓની આંખો ભીની થઈ ગઈ હતી. એક જ દિવસે ઘરમાંથી બે-બે મોભીઓ છીનવાઈ જતાં આ કરુણ બનાવ સમગ્ર વડગામ પંથકમાં ભારે ચર્ચા અને આઘાતનો વિષય બન્યો છે.
