Sandesh digital explainer: ગુજરાતની સરહદો સીલ હોવાના દાવા, જાણો કયા છે બોર્ડરથી બજાર સુધી દારૂના સ્મગલિંગના ચાર મુખ્ય કોરિડોર

📅 Published: August 22, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતમાં ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી કૂલ 11 લોકોના મોત થયાં હોવાનું સામે આવ્યું છે. આ ઘટના તાજી છે ત્યાં રાજ્યમાં કરોડો રૂપિયાનો દારુ પકડાઈ રહ્યો છે. પોલીસ હવે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળી હોય તેવો ઘાટ સર્જાયો છે. બીજી બાજુ ગુજરાત જ્યારે અલગ રાજ્ય બન્યું ત્યારથી દારૂબંધીનો અમલ થઈ રહ્યો છે. આજે આટલા વર્ષો બાદ પણ આ કાયદો માત્ર કાગળ પર જ કડક હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યની પોલીસ અનેક વખત દારૂની હેરાફેરીને ઝડપતી હોય છે. ગૃહ વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં દારુ અને ડ્રગ્સના ધંધા સામે લોકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 48 હજારથી વધુ ફરિયાદો કરવામાં આવી છે. તે છતાં પણ બુટલેગરો બેફામ જોવા મળી રહ્યાં છે.  

સરહદો સીલ હોવાના અને દારૂની ઘૂસણખોરી રોકવાના દાવા

ગુજરાતમાં સરકાર દારબંધીનો કાયદો કડક કરવા માટે સરહદો સીલ હોવાના અને દારૂની ઘૂસણખોરી રોકવાના દાવા કરે છે.ત્યારે હકીક્ત એ છે કે પાડોશી રાજ્યોમાંથી રોજે-રોજ હજારો પેટી વિદેશી દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે.સરહદી કોરિડોર જાણે દારૂના ગેરકાયદે સપ્લાય માટેની ખુલ્લી ધમની બની ગયા છે. અંદાજે રૂ.10 હજાર કરોડથી વધુના આ કાળા કારોબારે દારૂ બંધીની આખી વ્યવસ્થાને જ સવાલોના ઘેરામાં મૂકી દીધી છે.ચેકપોસ્ટ, હાઈવે, સરહદ અને કાયદો બધાને પડકારતા આ સિન્ડિકેટમાં દારૂની ઘૂસણખોરીથી લઈને સંચાર સપ્લાય અને છૂટક વેચાણ સહિતનું સુવ્યવસ્થિત નેટવર્ક કામ કરી રહ્યું છે. સસ્તો દારુ ગુજરાતમાં ઘૂસાડીને બુટલેગરો 300થી 500 ટકા સુધીનો નફો રળવાની લાલચમાં કરોડોની કમાણી કરી રહ્યાં છે. ત્યારે સવાલ એ થાય છે કે, સરહદો સીલ છે તો આટલો મોટો દારૂનો જથ્થો રાજ્યમાં કઈ રીતે ઘૂસી રહ્યો છે? 

દારૂના ધંધામાં પોલીસ

બુટલેગરો પોલીસથી બચવા અવનવી પદ્ધતિઓ અપનાવે છે

ગુજરાતમાં દારુ ઘૂસાડવા માટે બુટલેગરો દ્વારા એક મોડસઓપરેન્ડી ગોઠવવામાં આવે છે. રાજ્યમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દમણ અને મહારાષ્ટ્રથી દારુ ઘૂસાડાય છે. આ જથ્થો ગુજરાતમાં પહોંચ્યા બાદ સંગ્રહ, વિતરણ અને વેચાણ માટે પણ એક અલાયદા નેટવર્ક ચાલુ છે. બીજી તરફ દારૂનો ગેરકાયદે વેપાર કરનારા બુટલેગરો પણ પોલીસથી બચવા અવનવી પદ્ધતિઓ અપનાવી રહ્યાં છે.એન્જિનિયરો કરતાં પણ બુટલેગરોના મગજ તેજ ચાલી રહ્યાં છે તેનું ઉત્તમ ઉદાહરણ થોડાક સમય પહેલા અમદાવાદમાં પકડાયેલા દારૂના કેસ પરથી જાણી શકાય છે.અમદાવાદમાં એલસીબી પોલીસે બારેજાના ચુનારા વાસમાં બે મકાનમાં દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગરે તેના મકાનમાં દિવાલ અને સ્વીચબોર્ડની વચ્ચે ગુપ્તખાનામાં દારુ બિયરનો જથ્થો સંતાડ્યો હતો.અમદાવાદના ચાંદખેડામાં એક બુટલેગરે પોતાના મકાનની બાજુમાં ખાડો ખોદીને વિદેશી દારુ છુપાવ્યો હતો.આ ઉપરાંત અમદાવાદના SP રિંગરોડ પર સંજરી પાર્ટી પ્લોટમાં પાર્ક કરેલા કન્ટેનરમાંથી દારુ ઝડપાયો હતો.આવી અનેક પ્રકારની મોડસ ઓપરેન્ડી કામ કરી રહી છે છતાં પોલીસને ગંધ નથી આવતી. બુટલેગરો પકડાવાથી બચવા માટે વાહનોમાં ગુપ્ત ખાના, વર્ચ્યુઅલ ઇન્ટરનેટ મોબાઈલ નંબર્સ અને ખાસ પ્રકારના જેકેટ્સ જેવી આધુનિક તેમજ અનોખી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે.

પોલીસ પાસે અદ્યતન ડ્રોન છતાં દિશાવિહીન સર્વેલન્સ

અમદાવાદમાં રથયાત્રા અને રાજ્યમાં વીઆઈપી મૂવમેન્ટ સહિતની કામગીરી માટે ડ્રોન સર્વેલન્સ કરાવતા આઈપીએસ અધિકારીઓ દારૂ-ડ્રગ્સની બદી માટે ડ્રોન સર્વેલન્સ કેમ નથી રાખતા તેવા સવાલો ઊભા થયા છે.રાજ્યના સંવેદનશીલ વિસ્તારો તથા મહીસાગર-મહેસાણા જિલ્લામાં ડ્રોન સર્વેલન્સ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે.જોકે શહેરોમાં આ સર્વેલન્સ કોના ઈશારે નથી થતું તે મોટો પ્રશ્ન છે.રાજ્યની મોટાભાગની શહેર પોલીસ પાસે સામાન્ય કેમેરા ડ્રોન કરતાં પણ ખાસ પોલીસિંગ માટે બનેલા અદ્યતન ડ્રોન છે.તે એક કિલોમીટર સુધી ઝુમ કરી શકે છે તેમજ રાત્રે અંધારામાં પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિને ટ્રેક કરી શકે છે.ડ્રોનની અંદર સ્પીકરની સુવિધા પણ છે.જેનાથી પોલીસ હવામાંથી ભીડને સીધી સૂચના કે ચેતવણી આપી શકે છે.ડ્રોન દ્વારા લેવાતા વીડિયો કે ફોટોગ્રાફસના લાઈવ દ્રશ્યો સીધા સિટી પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સ્ક્રીન પર દેખાય છે.આ પ્રકારના ડ્રોનથી થતું સર્વેલન્સ બુટલેગરો અને ડ્રગ્સ પેડલરો પર અંકુશ લાવવાની સાથે ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પણ અસરકારક નિયંત્રણ લાવી શકે છે.

દારૂ ઘૂસાડવાના કોરિડોર

ગિફ્ટ સિટીમાં દારૂના ટેક્સમાં મોટી રાહત 

ગુજરાતમાં દારૂબંધીના અમલનું બેવડું વલણ હોવાનું લોકોમાં ચર્ચામાં છે. એક તરફ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં પ્રવાસનના નામે લિકર પોલીસી જાહેર કરવામાં આવી છે. વાઈન એન્ડ ડાઈન પોલીસી હેઠળ સરકારી અધિકારીઓ અને બહારથી આવતા મહેમાનો માટે દારુ પીવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં દારૂબંધીનો કડક અમલ કાગળ પર જ થઈ રહ્યો હોવાની અનેક ઘટનાઓ બની રહી છે.ગિફ્ટ સિટીમાં વૈશ્વિક રોકાણકારો, સીઈઓ અને વિદેશી પ્રતિનિધિઓની અવરજવર સતત રહે છે,જેમને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ આપવા માટે અગાઉ સરકારે દારૂબંધીના નિયમોમાં શરતી છૂટછાટ આપી હતી. હવે ટેક્સના માળખામાં મોટી રાહત આપવામાં આવી છે. નાણાં વિભાગ દ્વારા ગુજરાત વેટ એક્ટ 2003 માં સુધારો કરીને નવી એન્ટ્રી નંબર 120 ઉમેરવામાં આવી છે. આ નવી જોગવાઈ હેઠળ, વેરાની રકમ 25 પૈસા કરતાં વધુ થાય ત્યાં સુધી સંપૂર્ણ મુક્તિ આપવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ નિયમો માત્રને માત્ર ગિફ્ટ સિટીની અધિકૃત ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ધરાવતી હોટેલ્સ, ક્લબ અને રેસ્ટોરાં માટે જ લાગુ પડશે.નવા જાહેરનામા અનુસાર ગિફ્ટ સિટીમાં ‘વાઈન એન્ડ ડાઈન’ ફેસિલિટી અંતર્ગત જે વિદેશી દારૂ પીરસવામાં આવશે, તેના પર હવે વેટ લાગશે નહીં.

દારૂના કારણે ઉદ્યોગ ધંધા આવે તો એ વાત સંપૂર્ણપણે વાહિયાત

કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ સંદેશ ડિજિટલને કહ્યું હતું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગના પ્રોત્સાહનના નામે ભાજપ સરકારની માનસિકતા પહેલા દિવસથી જ છે કે કોઈપણ હિસાબે ગુજરાતમાં દારૂબંધીને છૂટછાટ આપી દેવી અને ગિફ્ટ સિટીની અંદર સરકાર જો એમ કહેતી હોય કે દારૂના કારણે ઉદ્યોગ ધંધા આવે તો એ વાત સંપૂર્ણપણે વાહિયાત છે.એટલા માટે કે જે જે જગ્યાએ ખુલ્લી બજાર છે દારૂની ત્યાં પણ ઉદ્યોગ-ધંધાની સ્થિતિ અતિ ખરાબ છે.બિહારમાં અત્યાર સુધી દારૂબંધી નહોતી તો બિહારમાં ઉદ્યોગો કેટલા આવ્યા? ઉત્તર પ્રદેશમાં દારૂબંધી નથી તો કેટલા ઉદ્યોગો અહિયાં આવ્યા હતા? મધ્ય પ્રદેશમાં કેટલા ઉદ્યોગો આવ્યા? એટલે દારૂને અને ઉદ્યોગને લેવાદેવા નથી.ઉદ્યોગ માટેનું વાતાવરણ અલગ વસ્તુ છે. સરકાર પોતાની ઉદ્યોગ નીતિ નિષ્ફળ જતાં અને ગિફ્ટ સિટીની અંદર યોગ્ય પ્રમાણમાં જે નીતિગત રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપનીઓ આવવી જોઈએ અને એનું વાતાવરણ હોવું જોઈએ એ આખી વ્યવસ્થા ઊભી કરવામાં નિષ્ફળ ગઈ છે.

અનેક પોલીસ અધિકારીઓ પ્રમાણિક છે

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કોઈ એમ કહેતું કે આપણને પાડોશી રાજ્યોમાંથી દારૂ આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂનું કન્ટેનર પકડાય તો એ તો 9 જિલ્લામાંથી પસાર થાય, 4 રેન્જમાંથી પસાર થાય. ભાવનગરમાં દારૂ આવ્યો એ કેટલા રાજ્યોમાંથી પસાર થઈને આવ્યો? એ ક્યાં મધ્ય પ્રદેશની બોર્ડરે છે? અમદાવાદ ક્યા કયા રાજ્યની બોર્ડર છે? આ સંપૂર્ણપણે હપ્તા રાજ છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ સાંસદ સત્તાધારી પક્ષના મનસુખભાઈ વસાવાએ કહી ચૂક્યા કે આજે નર્મદાના એસપીને પણ લેખિતમાં આપ્યું છે કે પોલીસના અમુક લોકો તે પોતે દારૂના ખેપિયાઓનું પાઇલોટિંગ કરે છે અને એના કારણે ગુજરાતમાં દારૂ બેરોકટોક ચાલી રહ્યો છે.આજે પણ ગુજરાતમાં અનેક પોલીસ અધિકારીઓ પ્રમાણિક છે પણ એમને કામ કરવાની તક નથી મળતી એટલે ગુજરાતને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે અને નશાબંધીના લીરેલીરા ઊડે છે.

આ પણ વાંચોઃ Surat BIG BREAKING!, કાપોદ્રામાં PSI મકવાણાની બંદૂકમાંથી છૂટી ગોળી, યુવકના શરીર આરપાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *