સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી નાના વરાછા પોલીસ ચોકી ખાતે એક અત્યંત ચોંકાવનારી ફાયરિંગની ઘટના સામે આવી છે.નાના વરાછા પોલીસ ચોકીમાં ફરજ પર હાજર પીએસઆઈ (PSI) પી.એસ. મકવાણા પોતાની સર્વિસ બંદૂકની સફાઈ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક અકસ્માતે બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ હતી. ગન સાફ કરતી વખતે બનેલી આ ઘટનાને પગલે પોલીસ ચોકી પરિસરમાં ઘડીભર માટે ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.
45 વર્ષીય અરવિંદ પટેલ નામના વેપારીને ગોળી વાગી
ઘટના સમયે PSI ચોકીમાં પોતાની ખુરશી પર બેસીને ગન સાફ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ફાયરિંગ થઈ ગયું હતું. રિવોલ્વર માંથી નીકળેલી ગોળી પહેલાં એક કીટલી સાથે અથડાઈને દરવાજાની બહાર નીકળી ગઈ હતી અને રસ્તા પર લારી પાસે ઉભેલા 45 વર્ષીય અરવિંદ પટેલ નામના વેપારીને વાગી હતી. આ ગોળી અરવિંદભાઈના પેટના ડાબા ભાગે વાગીને શરીરની બહાર નીકળી ગઈ હતી.ઘટના બાદ રસ્તા પર કપડાં વેચવાનું કામ કરતા અરવિંદભાઈને તાત્કાલિક સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
PSI મકવાણાની સરકારી રિવોલ્વર કબજે કરી લીધી
આ સમગ્ર ઘટનાને લઈને ડીસીપી આલોક કુમારે જણાવ્યું છે કે ઘટનાની અત્યંત ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવશે.પોલીસે હાલ PSI મકવાણાની સરકારી રિવોલ્વર કબજે કરી લીધી છે.આ ઘટના ખરેખર ટેકનિકલ મિસ ફાયર હતી કે પછી અધિકારીની ગંભીર બેદરકારી હતી, તે તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન જો અધિકારીની બેદરકારી પુરવાર થશે તો તેમની સામે ગુનો નોંધવા સહિતની આકરી શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે.
