આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત પ્રદેશ મહિલા વિંગ દ્વારા સુરતમાં ભવ્ય ‘નારી હુંકાર’ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી 2700થી વધુ મહિલાઓએ ઉપસ્થિત રહી શક્તિ પ્રદર્શન કર્યું હતું. સંમેલનમાં આપના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, મહિલા પ્રમુખ પાયલ સાકરીયા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ઉપપ્રમુખ રામ ધડુક અને સુરતના કોર્પોરેટરો સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. દારૂ-ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરાવી પરિવર્તન લાવીશું: પાયલ સાકરીયા
મહિલા પ્રમુખ પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, આ સંમેલન માત્ર કાર્યક્રમ નથી પરંતુ ગુજરાતની બહેનોના સંકલ્પનો અવાજ છે. આજે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ સૌથી મોટો પ્રશ્ન બની ગયા છે. મહિલાઓ હવે ચૂપ નહીં બેસે; ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત આવા અસામાજિક અડ્ડાઓ બંધ કરાવીને થશે. સુરતથી શરૂ થયેલો આ ‘નારી હુંકાર’ ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં ગૂંજશે. મહિલાઓ જ રાજ્યનું ભવિષ્ય બદલશે: ગોપાલ રાય
પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે સંબોધનમાં જણાવ્યું કે, ગુજરાતના ગૃહમંત્રી ભલે હર્ષ સંઘવી હોય, પરંતુ અહીં બેઠેલી દરેક મહિલા પોતાના ઘરની ગૃહમંત્રી છે. જે નારી ઘર-પરિવાર કુશળતાપૂર્વક ચલાવી શકે છે, તે રાજ્યમાં મોટો બદલાવ પણ લાવી શકે છે. મહિલાઓ આજે મોંઘવારી, સુરક્ષા અને સામાજિક પડકારો સામે લડી રહી છે અને આગામી સમયમાં આ જ શક્તિ રાજ્યની રાજનીતિમાં નવો અધ્યાય લખશે. સંમેલનમાં ઉપસ્થિત કાર્યકરોએ મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને રાજ્યવ્યાપી જનઆંદોલન માટે મજબૂત સંગઠન ઊભું કરવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે.
સુરતમાં AAPનું નારી હુંકાર સંમેલન:ગોપાલ રાય બોલ્યા રાજ્યના ગૃહમંત્રી ભલે સંઘવી હોય, પરિવર્તન ઘરની ગૃહમંત્રી લાવશે
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
