સ્કૂલે જતાં-આવતાં અને રિસેસનો બેલ વાગતા જ બહાર મળતાં પેકેટ્સ, જંક ફૂડ અને વધુ પડતાં તીખા-તળેલા નાસ્તા માટે તમારૂં બાળક પણ દોટ લગાવતું હશે પરંતુ આવું ખાવાથી તેની તબિયત કેટલી બગડી રહી છે આ વિશે ક્યારેય વિચાર્યું છે? જો તમારા બાળકને આવા પેકેટ્સ અને જંક ફૂડની આદત પડી ગઇ હોય તો તમારે ચેતવાની જરૂર છે. કેમ કે આ આદત પોતાની સાથે અનેક બીમારીઓ લઇને આવે છે. મહારાષ્ટ્રમાં શાળાની 50 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકાયા બાદ હવે ગુજરાતમાં પણ આ માંગ ઊઠી છે. સવાલ એ છે કે શું સ્કૂલ બહારની દુકાનો કે લારીઓ બંધ કરાવવાથી બાળકો જંક ફૂડથી દૂર થઇ જશે કે પછી અસલી વાંક વાલીઓની આળસ અને પોકેટ મનીનો છે? એકતરફ બાળકના સ્વાસ્થ્ય માટે ચિંતિત વાલીઓ છે તો બીજીતરફ પોતાની રોજીરોટી છીનવાઇ જવાની ભીતિ સેવતા નાના વેપારીઓ પણ છે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો વાલીઓનો રોષ, વેપારીની લાચારી અને જંક ફૂડનું સ્લો પોઇઝન તમારા બાળકો માટે કેટલું જોખમી છે. નાની વયના બાળકોમાં વધતા જતાં ગંભીર રોગો અને કથળતા સ્વાસ્થ્યને લીધે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખી શાળાની 100 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડ, પેકેટ ફૂડ અને વધુ પડતાં તેલ-ખાંડવાળા ખાદ્યપદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. તેની પાછળનો તર્ક એવો છે કે સામાન્ય રીતે બાળકો સ્કૂલ ગેટની આસપાસથી જ સૌથી વધુ જંક ફૂડ ખરીદતા હોય છે. જેથી જો શાળાની આસપાસ આવું જંક ફૂડ જ ન વેચાય તો બાળકો તે ખરીદી ન શકે. નીચેના ગ્રાફિક્સની મદદથી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની માંગણીઓ પર એક નજર કરો. ડૉક્ટરે પણ સમર્થન કર્યું
આ માંગણી એટલા માટે કરવી પડી છે કે આવું ખાવાથી તમારા બાળકની તબિયત પર ગંભીર અસર થઇ શકે છે. છેલ્લા 30 વર્ષથી પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત અને સોહમ પીડિયાટ્રિક કેરના ડૉ. રાકેશ શર્માએ પણ આ માંગનું સમર્થન કર્યું છે. તેમણે બાળકોના સ્વાસ્થ્ય પર થતી અસરનો ઉલ્લેખ કર્યો. બાળકનું મગજ બંધ થઇ જવાની ચેતવણી
‘બાળપણની ઉંમર એવી હોય છે જેમાં તેના શરીરથી લઇને બુદ્ધિની વિકાસ થતો હોય છે. આ સમયે જો આવા ફૂડ વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તેના કારણે મેદસ્વીતા તો દેખાશે જ પણ તેની સાથે સાથે લોંગ ટર્મ માટે પણ હૃદયને લગતા રોગો, ડાયબિટિસ, હોર્મોનમાં ફેરફાર જોવા મળે છે. આવા સંજોગોમાં મેન્ટલ બ્લોકેજ પણ થઇ શકે છે. આજે નાની ઉંમરમાં પણ મોત થઇ રહ્યાં છે.’ સ્થૂળતા વધવાથી બાળકોના સ્વાસ્થ્ય પર શું અસર પડી શકે તે આ ગ્રાફિક્સથી સમજો. ડૉ. શર્માના મતે, આવા પેકેટ્સ વધુ પ્રમાણમાં ખાવાથી શરીરમાં સૌથી પહેલી અસર વજન પર પડે છે. વજનમાં વધારો થઇ જાય છે. એક વાર વજન વધી જાય એટલે ડાયાબિટીસ આવે, હાર્ટ ડિસિઝ પણ થઇ શકે છે સાથે જ પેટની પણ સમસ્યાઓ આવી શકે છે. આવા પેકે્ટસમાં મીઠું પણ એટલા પ્રમાણમાં હોય છે એટલે હાઇપર ટેન્શન આવે છે. જેના કારણે એગ્રેસિવનેસ પણ આવે છે. વાલીઓ જ્યારે બાળકોની સમસ્યાઓ લઇને આવે ત્યારે ડૉક્ટર તેને હિસ્ટ્રી પૂછે તો તેઓ કહે છે કે બાળકો સરેરાશ બે થી ત્રણ પેકેટો ખાઇ જાય છે. કેટલાક વાલીઓ જ તેમના બાળકોને આવા ફૂડ અપાવતાં હોય છે. કેટલાક કિસ્સામાં ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ અપાવતાં હોય છે. શરીરના બાંધા આવા ફૂડ માટે બનેલા જ નથી
તેમણે કુપોષણ અને વિદેશના અલગ અલગ ઉદાહરણ આપ્યા. આજથી 30 કે 40 વર્ષ પહેલાં દેશમાં પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળતાં બાળકો કુપોષિત રહેતાં હતા. આજે વધુ પડતાં ખોરાકના કારણે કુપોષિત થઇ રહ્યાં છે, તેમનામાં મેદસ્વીતા ખૂબ જ વધી રહી છે. 10 વર્ષના બાળકનું વજન 50 કિલો જોવા મળે છે. આપણાં શરીરના બાંધાનું બંધારણ આવા પ્રકારના ફૂડ માટે બનેલું જ નથી. ભારત જ નહીં પણ અમેરિકા સહિતના ઘણાં એવા દેશો છે જે આવા જંક ફૂડ પર જ વધુ પડતાં નિર્ભર હોય છે. બીજી તરફ બ્રાઝિલ જેવા દેશો આ પ્રકારના ફૂડ પર સખ્તાઇ દાખવી રહ્યાં છે. ‘પહેલાં જ્યારે બાળકોની સમસ્યા લઇને વાલીઓ આવતાં ત્યારે તેમના સંતાનનોને અનુરૂપ ખોરાક લેવાનું અમે કહેતા તો તેને ફોલો કરતાં હતા પણ આજે ગમે તે હોય બાળકો બહારના ખાવાને પહેલો પ્રેફરન્સ આપે છે. કેટલીક સ્કૂલોએ બાળકોને બ્રેક ફાસ્ટ અને લંચ પણ ત્યાંથી આપવાનું નક્કી કર્યું છે. ત્યાં પણ કેટલીકવાર બાળકોને જંક ફૂડ અપાય છે તો તે પણ બંધ થવું જોઇએ.’ બાળકોને ફૂડ પેકેટથી કેવી રીતે દૂર રાખવા?
ફૂડ પેકેટ્સનો ઉપયોગ ઘટે તે માટેનું સૂચન કરતા તેઓ કહે છે કે, મારા મતે તો ફૂડ પેકેટ્સ લોકો વધારે પડતાં કન્ઝ્યૂમ ન કરે એ માટે સરકારે તેના પર GST વધુ લગાવવો જોઇએ બીજું કે આવા ફૂડ પર મોટા અક્ષરોમાં લખેલું આવે કે આમાં શુગર કે પછી ફેટ કન્ટેન્ટ વધારે છે જે તમારા માટે હાર્મફૂલ છે. જેથી લોકોમાં પણ જાગૃતિ આવે. આવી જે પ્રોડક્ટ હોય તેની એડવર્ટાઇઝ્ડમાં કાપ મૂકવો જોઇએ. જો આવું કરવાથી 50% વાલીઓ પણ વિચારતા થઇ જાય તો તેનાથી મોટો ફેર પડી શકે છે. આ અંગે સરકારે હજુ કોઇ નિર્ણય નથી લીધો પણ વાલીઓ આ માંગનું સમર્થન કરે છે. ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ ગણપત કલાલે દિવ્ય ભાસ્કરને કહ્યું, મહારાષ્ટ્ર સરકારે જે નિર્ણય લીધો છે તે વાલીઓના હિત માટે જ લીધો છે. ભાસ્કર પટેલે ગુજરાતના શિક્ષણ મંત્રીને પત્ર લખીને આ માંગણી કરી છે તે સારી બાબત છે. બાળકો શાળાઓની આસપાસમાંથી નાસ્તાના પેકેટો ખરીદતાં હોય છે પણ તેમને એ ખબર નથી હોતી કે એ પેકેટ કેવા હોય છે, તેને કોણ કેવી રીતે બનાવી રહ્યું છે. હાલમાં નિકોલમાંથી નકલી પેકેટ બનાવતી આખે આખી ફેક્ટરી પકડાઇ છે. આવા પેકેટ્સ નાના બાળકો સુધી પહોંચે તે ખતરનાક છે તેમ કહેતા તેઓ જણાવે છે કે, વાલી મંડળ તરીકે અમે પણ ઇચ્છીએ છે કે આવો નિર્ણય લેવામાં આવે. કેટલાક કિસ્સાઓમાં તો આવા પેકેટના નાસ્તાથી કેન્સર થવાનું જોખમ પણ રહેલું હોય છે. વાલીઓને એક્ટિવ થવાની અપીલ
તેમના મતે, બાળકને પેકેટ્સની આદત લાગવા પાછળ તેમના વાલીઓ પણ જવાબદાર છે. તેઓ કહે છે કે, કેટલીકવાર એવું બને કે બાળકના માતા-પિતા નોકરી કરતાં હોય એટલે તેના કારણે તેઓ બાળકને આવા ફૂડ પેકેટ નાસ્તામાં આપી દે છે. હું કહેવા માંગુ છું કે વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. બાળકોને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રાખવા માટે સૌથી પહેલાં તો વાલીઓએ એક્ટિવ થવાની જરૂર છે તો જ બાળક પણ એટલું એક્ટિવ થઇ શકશે. કેટલીક સ્કૂલો ફરજિયાતપણે બાળકોને ત્યાંથી જ અલગ અલગ ભોજન આપીને તેનો ચાર્જ લેતી હોય છે. આવો પ્રયોગ દરેક સ્કૂલ કરે તો બાળકો પેકેટવાળા નાસ્તાથી દૂર રહેશે. સ્વાતિ સિંહ વાલી છે. તેઓ ગુજરાતમાં પણ મહારાષ્ટ્ર જેવો નિર્ણય લેવાય તેવું ઇચ્છે છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું, આ નિર્ણયથી બાળકોને ફાયદો થશે. વાલી તરીકે બધી વસ્તુઓમાં સપોર્ટ મળી રહેશે. જ્યારે અમે બાળકોને સ્કૂલે પીક અપ અને ડ્રોપ કરવા માટે જઇએ છીએ ત્યારે બાળકોને નાસ્તાના પેકેટ્સ અને વિવિધ જંક ફૂડ દેખાય છે. જેના કારણે તેઓ એ લેવા માટે જીદ કરે છે પણ જો સ્કૂલની આસપાસ આ પ્રકારનું કંઇ મળતું જ નહીં હોય તો બાળકો તેની ડિમાન્ડ પણ નહીં કરે. જંક ફૂડ હોય તો લંચ બોક્સ સફાચટ!
તેમણે જંક ફૂડ અને પૌષ્ટિક વસ્તુઓનું ઉદાહરણ પણ આપ્યું કે કેટલીકવાર એવું બને છે કે નાસ્તામાં શાક રોટલી કે અન્ય પૌષ્ટિક વસ્તુ આપીએ ત્યારે લંચ બોક્સમાં ખાવાનું એવું ને એવું પાછું આવે છે. જ્યારે જંક ફૂડ આપીએ ત્યારે તે લંચ બોક્સ ખાલી આવે છે. અમે અન્ય વાલીઓ સાથે વાત કરીએ તો આવું મોટાભાગના બાળકો કરતાં હોય છે. આવા સંજોગોમાં હું ઇચ્છું છું કે સરકારે કોઇ એક્શન લેવા જોઇએ. બાળકના સ્વાસ્થ્ય માટે શું જોખમી છે તે અહીં આપેલા ગ્રાફિક્સથી જાણો. તમે પોકેટ મની આપો ત્યારે તે બાળક તેનો શેમાં ખર્ચ કરે છે એ અંગે પૂછતાં તેમણે કહ્યું, અમે બાળકોને પૂછીએ ત્યારે તેઓ કહેતાં હોય છે કે સૌથી વધારે તો તેઓ ફૂડ પેકેટ્સ પાછળ જ પૈસા વાપરે છે. સામે પક્ષે અમે પણ તેમને લિમિટેડ પૈસા આપીએ છીએ જેથી આ પૈસામાં તો માત્ર પેકેટ્સ જ આવે છે એટલે તે પણ એક કારણ છે. બાળકોમાં મેદસ્વીતા વધીઃ વાલી
અન્ય એક વાલી જતીન ખલાસે બાળકોમાં વધતી જતી મેદસ્વીતા અંગે ચિંતા વ્યક્ત કરી. તેઓ કહે છે કે, મહારાષ્ટ્ર સરકારે બાળકોના ભવિષ્ય માટે ખૂબ સારો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર પણ આવો નિર્ણય કરે તો સારૂં છે. 15 કે 20 વર્ષ પહેલાં કેન્સર હોસ્પિટલો આંગળીના ટેરવે ગણી શકાય તેવી હતી પણ લોકો હાલમાં જે ગતિએ જંક ફૂડ ખાઇ રહ્યાં છે તેના કારણે આવી બીમારીઓનો ભોગ બની રહ્યાં છે. બાળકો આવી વસ્તુઓ ખાય છે તેનાથી મેદસ્વીતા વધી રહી છે. શાળા જ મેનુ બનાવીને વાલીઓને આપે
તેમણે આગળ કહ્યું કે, વાલી તરીકે હું એ પણ સ્વીકારું છું કે વાલીઓની જ આળસના કારણે બાળકો આવા ફૂડ્સ તરફ આકર્ષાય છે. નવી શરૂઆત કરવી હોય તો આપણે ઘરથી કરવી જરૂરી છે. બાળકો ભલે ડિમાન્ડ કરે પણ જો પેરેન્ટ્સ તરીકે એ વસ્તુ નહીં અપાવો અને સમજાવો તો થોડા દિવસોની કસરત બાદ બાળકો પણ એ વસ્તુને સમજી જશે. જો આવો નિર્ણય ન લેવાય તો સ્કૂલોએ પોતાની રીતે મેનુ બનાવીને વાલીઓને આપવું જોઇએ કે સોમવારે આ ફૂડ મોકલવું, મંગળવારે આ ફૂડ મોકલવું. જેથી કરીને બાળકો પેકેટ્સથી દૂર રહેશે અને તેમનું આરોગ્ય પણ સારું રહેશે. જંક ફૂડ અને પેકેટ્સથી બાળકને શું થાય છે તે આ રીતે સમજો સરકારને થયેલી આ રજૂઆત બાદ શાળા બહાર વેચાતા જંક ફૂડ અને પેકેટ્સ પર પ્રતિબંધ લાગી જાય તો દુકાનદારોને પોતાની રોજીરોટી છીનવાઇ જવાનો ડર છે. મોન્ટુ બારોટ છેલ્લાં વીસેક વર્ષથી પાર્લર ચલાવે છે. તેમનું કહેવું છે કે સરકારે આવો કોઇ નિર્ણય લેતાં પહેલાં દુકાનદારોનું પણ વિચારવું જોઇએ. ભલે હું દુકાનદાર છું અને તેનાથી મારું ગુજરાન ચલાવું છું છતાં આ પ્રકારનો નિર્ણય લેવાય તો તેનાથી ખુશ છું પણ બીજીતરફ જો શાળા આસપાસ આ બંધ કરવામાં આવે તો અમારા જેવા લોકો ઘર કેવી રીતે ચલાવશે? અમારે ત્યાં માત્ર સ્કૂલના બાળકો જ પેકેટ્સ લેવા નથી આવતાં પણ જે નાના માણસો છે તે આના ઉપર નિર્ભર હોય છે એટલે તેઓ પણ અમારા ગ્રાહકો હોય છે. આમ જોઇએ તો કોઇ દુકાન એવી નથી જ્યાં નમકીનથી લઇને વિવિધ પ્રકારના ફૂડના પેકેટ્સ ન મળતાં હોય તેમ કહેતા તેઓ જણાવે છે કે, મોટા ભાગના ઘરોમાં આવા પેકે્ટ કોઇને કોઇ વ્યક્તિ તો લઇને આવવાની જ છે. આમ આવો નિર્ણય લેવાય તો તે હિતમાં પણ છે અને અહિતમાં પણ છે. સરકારે વિચારવું જોઇએ કે આ નિર્ણય કરવો કે ન કરવો. તેમણે વાલીઓને પણ અપીલ કરી. તેઓ કહે છે કે, હું તો એવું માનું છું કે જો વાલીઓ જ બાળકોને લંચ બોક્સમાં ઘરનો નાસ્તો અને ફ્રૂટ્સ આપે તો પછી આ પ્રોબ્લેમ ત્યાંથી જ સોલ્વ થઇ જશે. દુકાનદારો તો પોતાને બે પૈસા મળે એટલે પેકેટ્સનો ધંધો કરવાના જ છે. કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે વાલીઓ જ પોતાના સંતાનને નાસ્તાના પેકે્ટસ અપાવવા માટે લઇ આવે છે. આવા સંજોગોમાં વાલીઓએ પણ સમજવું જરૂરી છે. શાળાના ગેટ બહારથી જંક ફૂડ હટાવવાની માંગ ચોક્કસપણે બાળકોના સ્વાસ્થ્ય માટે આવકારદાયક પગલું છે પરંતુ માત્ર સરકારી નિયમો કે કાયદાઓથી આ લડાઇ જીતી શકાશે? તે વિચારવું જોઇએ.
તમારૂં બાળક પેટમાં શું પધરાવે છે એ જોજો:સ્કૂલ પાસે નાસ્તાના પેકેટ, જંક ફૂડ પર પ્રતિબંધની માંગ, ડૉક્ટરની ચિંતાજનક ચેતવણી- આવું ખાવાથી મગજનું બ્લોકેજ થઇ શકે
📅 Published: August 23, 2026 |
📂 Category: gujarati-news
