દશા માતાજીના દસ દિવસના કઠોર વ્રત, રાસ-ગરબા અને જપ-તપની પૂર્ણાહુતિ બાદ પોરબંદરના ચોપાટી દરિયાકાંઠે મા દશામાની પ્રતિમાઓને વિદાય આપવામાં આવી હતી. વ્રત દરમિયાન ઘરે-ઘરે માતાજીની અખંડ જ્યોત અને દિવ્ય પૂજન થકી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બન્યું હતું. પરંતુ, વિસર્જનના બીજા દિવસે સવારે ચોપાટીના કાંઠે ગ્રાઉન્ડ લેવલ પર વૈજ્ઞાનિક અને ધાર્મિક બન્ને બાબત સામે આવી છે. દરિયાના પાણીએ પણ જાણે શ્રદ્ધા અને સામગ્રી વચ્ચેની કસોટી કરી હોય તેમ, માટીમાંથી બનેલી માતાજીની મૂર્તિઓને ક્ષણભરમાં પોતાનામાં સમાવીને કુદરત સાથે એકરૂપ કરી દીધી હતી જ્યારે બીજી તરફ, કેમિકલ અને પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) માંથી બનેલી મૂર્તિઓને દરિયાના મોજાંઓએ કિનારે પાછી ધકેલી દીધી. જે મૂર્તિઓની દસ દિવસ સુધી જીવંત દેવતાની જેમ આરાધના થઈ, તે POP ની મર્યાદાઓને કારણે ચોપાટીના રેતીના પટ પર ક્ષતિગ્રસ્ત અવસ્થામાં રઝળતી દેખાતાં સ્થાનિક ભાવિકોનું દિલ પણ દ્રવી ઉઠ્યું હતું. POP ની મૂર્તિ પાણીમાં સરળતાથી ઓગળતી ન હોવાથી કાંઠે ખંડિત અવસ્થામાં જોવા મળી હતી. સનાતન ધર્મ શું કહે છે ?
પંચભૂતમાં વિલીન થવાની પરંપરા: સનાતન ધર્મમાં મૂર્તિ વિસર્જનનો મૂળ વિચાર જ એ છે કે પૃથ્વીના તત્વોમાંથી સર્જાયેલી પ્રતિમા પૂજા બાદ પુનઃ માટી અને જળમાં ભળી જાય. માટીની મૂર્તિ પાણીના સ્પર્શથી જ ક્ષણવારમાં પંચભૂતમાં વિલીન થઈને પૂજાનું સાચું ફળ આપે છે.
દરિયાએ ભાવિકોની શ્રદ્ધાને સ્વીકારી પણ POP ના રસાયણોને નકાર્યા:પોરબંદર ચોપાટી પર દશામાની મૂર્તિના વિસર્જન બાદ POPની મૂર્તિ ખંડિત અવસ્થામાં રઝળી
📅 Published: August 23, 2026 |
📂 Category: gujarati-news
