વલસાડ જિલ્લા ફૂડ વિભાગે વાપીમાં સઘન તપાસ હાથ ધરી, જેમાં ત્રણ ખાદ્ય પેઢીઓના પરવાના સ્થગિત કરી ધંધો બંધ કરાવ્યો. આ કાર્યવાહી નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી હતી. કાર્યવાહી કરાયેલી પેઢીઓમાં વાપી રેસ્ટોરન્ટ સ્વીટ એન્ડ ફરસાણ, ભારત રેસ્ટોરન્ટ અને હોટેલ કેશરીનો સમાવેશ થાય છે. સ્વીટ એન્ડ ફરસાણમાંથી 4.5 લિટર તળવાનું તેલ અને 5 કિલો સમોસા મસાલો, જ્યારે ભારત રેસ્ટોરન્ટમાંથી 1.5 કિલો લેબલ વગરનું પનીર, 2 કિલો શેઝવાન ચટણી અને 1 કિલો લીલી ચટણીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. હોટેલ કેશરીમાં ગંદુ રસોડું, દિવાલ અને છત પરથી રંગના ટુકડા ખરવા, ભેજ, પાણીની સમસ્યા, પ્રોડક્ટ ટેસ્ટ રિપોર્ટનો અભાવ અને શાકાહારી-માંસાહારી ખોરાકને યોગ્ય રીતે અલગ ન રાખવા જેવી ગંભીર ખામીઓ જોવા મળી હતી. આ ઉપરાંત, અન્ય સાત ખાદ્ય પેઢીઓને ઇમપ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. તેમને દસ્તાવેજો, પાણીના ટેસ્ટ રિપોર્ટ, પેસ્ટ કંટ્રોલ, FoSTaC તાલીમ અને FSSAI લાયસન્સ સંબંધિત ખામીઓ તાત્કાલિક દૂર કરવા સૂચના અપાઈ હતી. ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી પેઢીઓ સામે તપાસની આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી ખાદ્ય સુરક્ષાના ધોરણો જાળવી શકાય.
વલસાડમાં ફૂડ વિભાગની તવાઈ: 3 પેઢીના પરવાના સ્થગિત:અનહાઈજેનિક રસોડું અને વાસી ખોરાક મળતા કાર્યવાહી
📅 Published: August 23, 2026 |
📂 Category: gujarati-news
