સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી નાના વરાછા પોલીસ ચોકી ખાતે એક અત્યંત ચોંકાવનારી ફાયરિંગની ઘટના સામે આવી હતી.નાના વરાછા પોલીસ ચોકીમાં ફરજ પર હાજર પીએસઆઈ પી.એસ. મકવાણા પોતાની સર્વિસ બંદૂકની સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક અકસ્માતે બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ હતી. રિવોલ્વર માંથી નીકળેલી ગોળી દરવાજાની બહાર નીકળી ગઈ હતી અને રસ્તા પર લારી પાસે ઉભેલા 45 વર્ષીય અરવિંદ પટેલ નામના વેપારીને વાગી હતી.આ ગોળી અરવિંદભાઈના પેટના ડાબા ભાગે વાગીને શરીરની બહાર નીકળી ગઈ હતી. આ ઘટનાને લઈને કાપોદરા પોલીસમાં પીએસઆઈ મકવાણા સામે ગુનો નોંધાયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
PSI મકવાણાની સરકારી રિવોલ્વર કબજે કરી લીધી
ઘટના બાદ રસ્તા પર કપડાં વેચવાનું કામ કરતા અરવિંદભાઈને તાત્કાલિક સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર ઘટનાને લઈને ડીસીપી આલોક કુમારે જણાવ્યું છે કે ઘટનાની અત્યંત ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસે હાલ PSI મકવાણાની સરકારી રિવોલ્વર કબજે કરી લીધી છે. આ ઘટના ખરેખર ટેકનિકલ મિસ ફાયર હતી કે પછી અધિકારીની ગંભીર બેદરકારી હતી તે તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે.તપાસ દરમિયાન જો અધિકારીની બેદરકારી પુરવાર થશે તો તેમની સામે ગુનો નોંધવા સહિતની આકરી શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે.
PSI મકવાણા સર્વિસ પિસ્ટલ સાફ કરી રહ્યા હતા
સુરતના નાનાવરાછા ઢાળ પોલીસ ચોકીમાં PSI મકવાણા સર્વિસ પિસ્ટલ સાફ કરી રહ્યા હતા ત્યારે પિસ્ટલમાંથી છૂટેલી ગોળી પોલીસ ચોકીમાં મૂકેલા 5 લીટરના પાણીના જગને વીંધીને સામે રોડ પર ઊભેલા 45 વર્ષીય લારીવાળા અરવિંદ અંબુ પટેલના પેટના ભાગે ડાબી બાજુથી આરપાર નીકળી ગઈ હતી.લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.જોકે પોલીસ ચોકીમાં પિસ્ટલ લોડેડ સ્થિતિમાં કેમ હતી, સાફ કરતી વખતે સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં, પોલીસ ચોકીની અંદરથી છૂટેલી ગોળી સીધી બહાર ઉભેલા નાગરિકને કેવી રીતે લાગી? શું સર્વિસ હથિયાર હેન્ડલિંગ અંગેની સુરક્ષા પ્રક્રિયાનું પાલન થયું હતું? અને પોલીસની આવી ગંભીર બેદરકારી સામે ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લેશે તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચોઃ Rajkot News: શહેરમાં નંબર વગરના વાહનમાં ઈંધણ પૂરવા મામલે બીજો ગુનો નોંધાયો
