વેરાવળમાં જુગાર પર પોલીસના દરોડા, 15 ઝડપાયા:પાંચ મહિલા સહિત 74,160નો મુદ્દામાલ જપ્ત, બે સ્થળે કાર્યવાહી

📅 Published: August 23, 2026 | 📂 Category: gujarati-news

વેરાવળ શહેરમાં પોલીસે જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. શ્રાવણ માસ દરમિયાન બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી પાંચ મહિલાઓ સહિત કુલ 15 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ ₹74,160નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રથમ દરોડો હુડકો સોસાયટી વિસ્તારમાં ખોડિયાર મંદિરની બાજુમાં જાહેર જગ્યાએ પાડવામાં આવ્યો હતો. અહીંથી પુંજા છેલાણા, દીપક કેશવ વાઘેલા, ભાવેશ પુંજા મારૂ, સુનિતાબેન લુકા, અજાયબેન વેગડ, નીમુબેન વાઘેલા, અપુબેન અપારનાથી અને ભાવનાબેન દેવળીયા સહિત આઠ શખ્સોને જુગાર રમતા ઝડપી લેવાયા હતા. પોલીસે આ સ્થળેથી ₹12,170ની રોકડ રકમ અને સાત મોબાઇલ ફોન કબજે કર્યા હતા. રોકડ અને મોબાઇલ સહિત કુલ ₹43,170નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજા દરોડામાં વેરાવળ શહેરમાં કબ્રસ્તાન નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડામાં મોહન જયંતીલાલ મોતીવરસ, દીપક લક્ષ્મણ ચુડાસમા, વિજય ભાવેશ બટુયા, હિતેશ વિક્રમ પરમાર, રાકેશ વિક્રમ પરમાર, અજય ભાવેશ બટુયા અને કરણ મનોજ બટુયા સહિત સાત પત્તાપ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સ્થળેથી પોલીસે ₹30,990ની રોકડ રકમ કબજે કરી હતી. આમ, બંને સ્થળોએ હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન કુલ 15 શખ્સો પોલીસના હાથે ઝડપાયા હતા. શ્રાવણ માસમાં ધાર્મિક પ્રવૃત્તિઓ વચ્ચે જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કાર્યવાહીથી જુગાર રમનારાઓમાં ફફડાટ ફેલાયો છે. શહેરમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *