ગુજરાતમાં ચોમાસાની મુશળધાર ઇનિંગ્સની રાહ જોઈ રહેલા લોકો માટે હજુ પણ રાહ જોવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હાલમાં ચોમાસું ફિક્કું પડી રહ્યું છે અને આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.હાલમાં સમુદ્ર અને વાતાવરણમાં સાયક્લોનિક સરક્યુલેશન,લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ જેવી વિવિધ હવામાન સિસ્ટમો સક્રિય હોવા છતાં રાજ્યમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા નહિવત્ દર્શાવવામાં આવી રહી છે.
વરસાદી ઘટ હજુ પણ 4 ટકા જેટલી બાકી
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર,અરબી સમુદ્ર તરફથી સતત દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ચોમાસાની તીવ્રતા ઘટી છે.રાજ્યના વરસાદી આંકડા પર નજર કરીએ તો,આ વર્ષે અત્યાર સુધીમાં ઓગસ્ટ મહિનામાં સરેરાશ કરતાં 20 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.સમગ્ર ગુજરાતમાં ઓવરઓલ વરસાદનો આંકડો સરેરાશ કરતાં 13 ટકા વધુ જોવા મળી રહ્યો હોવા છતાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હજુ પણ 26 ટકા વરસાદની મોટી અછત વર્તાઈ રહી છે.પરિણામે રાજ્યભરમાં એકંદર વરસાદી ઘટ હજુ પણ 4 ટકા જેટલી બાકી રહેવા પામી છે.
ચોમાસાની સીઝન અડધી વીતી ગઈ
બીજી તરફ,અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતના શહેરોમાં આગામી દિવસોમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે.વરસાદનું જોર ઓછું રહેવાને કારણે વાતાવરણમાં ભેજ અને બફારાનું પ્રમાણ વધશે.જેના લીધે અમદાવાદીઓ સહિત રાજ્યના અનેક વિસ્તારોના લોકોને ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીનો અહેસાસ કરવો પડશે.આમ ચોમાસાની સીઝન અડધી વીતી જવા છતાં વરસાદની મોટી ઘટ ધરાવતા વિસ્તારો અને જગતના તાત માટે હજુ પણ સાર્વત્રિક અને સારા વરસાદ માટે લાંબી રાહ જોવી પડે તેમ લાગી રહ્યું છે.
