Valsad News: ગુજરાતમાં દારુ ભગવાન જેવો થઈ ગયો છે, જે બધે હાજર છે પણ પોલીસને દેખાતો નથી : તુષાર ચૌધરી

📅 Published: August 23, 2026 | 📂 Category: Valsad

ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યની પોલીસ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા નીકળી પડી હોય તેવો ઘાટ સર્જાયો છે. ભાવનગરની ઘટનામાં હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. આરોપીઓને ઝડપીને તેમના ઘરે જઈ પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવી રહ્યું છે. ત્યારે દારૂમુદ્દે રાજ્યમાં રાજકારણ પણ ગરમી પકડી રહ્યું છે. વલસાડ ખાતે કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ ભાવનગરના ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ મુદ્દે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે તીખા પ્રહારો કર્યા હતા.

ગુજરાતમાં દારૂ ભગવાન જેવો થઈ ગયો છે

તુષાર ચૌધરીએ કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે અને રાજ્યમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.ગુજરાતમાં દારૂ ભગવાન જેવો થઈ ગયો છે.જે પોલીસને દેખાતો નથી પરંતુ બધે જ હાજર છે.તેમણે આક્ષેપ કર્યો હતો કે સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ આ બાબતથી અજાણ નથી, છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.કોંગ્રેસ નેતાએ રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી નેટવર્ક ચાલતું હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. 

રાજકીય આશ્રય અને તંત્રની મિલીભગત

તેમણે દાવો કર્યો હતો કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે માત્ર લોકેશન આપો અને માલ પહોંચી જશે.તે પ્રકારે દારૂનું વેચાણ થઈ રહ્યું છે.ભાવનગરમાં સર્જાયેલી લઠ્ઠાકાંડની દુર્ઘટના પાછળ પોલીસ અને હપ્તાખોરીનું નેટવર્ક જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં તેમણે ઉમેર્યું કે જો તંત્ર ઈચ્છે તો એક કલાકમાં દારૂનું વેચાણ બંધ થઈ શકે છે પરંતુ રાજકીય આશ્રય અને તંત્રની મિલીભગતને કારણે બૂટલેગરો બેફામ બન્યા છે. તુષાર ચૌધરીના આ નિવેદન બાદ રાજકારણમાં ગરમી પ્રસરી જવા પામી છે. 

આ પણ વાંચોઃ Morbi News: મંત્રી કાંતિ અમૃતિયાના નિવેદનથી તેમના ભાઈ અને ખેડૂતો લાલઘૂમ, જમીનમાં મશીનરી ઘૂસવા નહીં દઈએ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *