ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના 6 જેટલા ઓનલાઈન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. બી.એ, બી.કોમ, BCA, M.A (અંગ્રેજી ), M.com, M.sc જેવા કોર્સ ઓનલાઇન શરૂ કરાયા છે. જેમાં વિદ્યાર્થીના અભ્યાસથી લઈને પરીક્ષા સુધી તમામ પ્રક્રિયા ઓનલાઈન જ કરવામાં આવે છે. ઘરે બેઠા જ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન થઈ શકતું હોવાથી ઓનલાઇન કોર્સ ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. જેથી હવે ગુજરાત યુનિવર્સિટીને યુજીસી કેટેગરી-2 ગ્રેડેડ ઑટોનોમસ યુનિવર્સિટી તરીકે માન્યતા મળ્યા બાદ MBA, MCA જેવા નવા 4 ઓનલાઈન કોર્સ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ગૃહિણીઓ પણ અભિયાસ કરી શકશે
ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઇન કોર્સમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી અને જુલાઇ-ઓગસ્ટમાં એમ વર્ષમાં બે વખત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જો કે ગુજરાત યુનિવર્સિટીને યુજીસી કેટેગરી-2 ગ્રેડેડ ઑટોનોમસ યુનિવર્સિટી તરીકે માન્યતા મળતા 10 ઓનલાઈન કોર્સ ચલાવવાની છૂટ મળી છે. આગામી નવી એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે, ત્યારે વિદ્યાર્થીઓને MBA, MCA જેવા મહત્વના કોર્સ ઘરે બેઠા ભણવાની તક મળશે. નોકરીની સાથે સાથે અથવા ગૃહિણીઓ ઘર કામની સાથે સાથે તેમની અનુકૂળતા પ્રમાણે ઓનલાઇન અભ્યાસ કરીને MBA, MCA જેવી મહત્વની ડિગ્રીઓ મેળવી શકશે. ફાઈનલ લિસ્ટ તૈયાર કર્યા બાદ ફીનું માળખું પણ જાહેર કરવામાં આવશે. તેમજ આગામી નવા સત્રમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હાલના પરંપરાગત અભ્યાસક્રમોની સાથે 25 જેટલા નવા ઈનોવેટિવ કોર્સમાં પણ અભ્યાસની નવી તક મળશે. 10 જેટલા કોર્સ માન્યતા વગર શરૂ કરવાની છૂટઃ ઇન્ચાર્જ કુલપતિ
ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીને યુજીસી કેટેગરી-2 ગ્રેડેડ ઑટોનોમસ યુનિવર્સિટી તરીકે માન્યતા મળી ગઈ છે. હવે અમારો એવો પ્રયાસ છે કે, હજુ પણ નવા કોર્સ શરૂ કરવામાં આવે. ઓનલાઈન અત્યારે જે કોર્સ ચાલે છે, તેમાં બીજા નવા 4 કોર્સ શરૂ કરવાનો તૈયારીઓ કરી રહ્યા છીએ. કારણ કે કુલ 10 જેટલા કોર્સ માન્યતા વગર શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. જેથી બીજા ચાર કોર્સમાં MBA, MCA સહિતના કોર્સ શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે, જેનું લિસ્ટ પણ થોડા સમયમાં ફાઈનલ કરી દેવામાં આવશે. ‘જૂનથી શરૂ કરી શકાય તેવા ઇનોવેટિવ કોર્સ મંગાવાયા’
વધુમાં ડૉ. જગદીશ જોશીએ ઉમેર્યું કે, તેમજ ઑટોનોમસ યુનિવર્સિટી તરીકે માન્યતા મળ્યા પછી જે 52 જેટલા ડિપાર્ટમેન્ટ છે તેના તમામ હેડ અને ડિરેક્ટર સાથે મિટિંગ કરવામાં આવી છે. તેમજ મિટિંગમાં તેમને સૂચના આપવામાં આવી છે કે એક ઇનોવેટિવ કોર્સ લઈને તે લોકો આવે. આગામી જૂનથી શરૂ કરી શકાય તેવા ઇનોવેટિવ કોર્સ મંગાવવામાં આવ્યા છે. જેથી દરેક ડિપાર્ટમેન્ટના હેડ અને ડિરેક્ટર પાસેથી સૂચનો આવશે તેના આધારે હવે આગામી નવા શૈક્ષણિક સત્રથી ગુજરાત યુનિવર્સિટી 25 જેટલા નવા ઇનોવેટિવ કોર્સ તેના કુલ અભ્યાસક્રમમાં જોડવાની છે.
ગુજરાત યુનિવર્સિટીમાં ઘરે બેઠા MBA-MCA કરી શકાશે:ઓનલાઈન કોર્સની ડિમાન્ડ વધતા નવા 4 કોર્સ શરૂ કરવાની તૈયારી, રેગ્યુલર કોર્સમાં 25 જેટલા ઇનોવેટિવ કોર્સ પણ ઉમેરાશે
📅 Published: August 23, 2026 |
📂 Category: gujarati-news
