Ahmedabad: ચાંદખેડામાં 226 ઇન્વર્ટર બેટરી ખરીદી 22.93 લાખની છેતરપિંડી, ગોડાઉન બંધ કરી આરોપી થયો ફરાર

📅 Published: August 23, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં વેપારના નામે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. વિરાગભાઈ ચંદુભાઈ પટેલ નામના શખ્સે ફરિયાદી વેપારીનો ‘ઈન્ડિયા માર્ટ’ (IndiaMART) એપ મારફતે સંપર્ક કર્યો હતો. પોતે મોટો વેપારી હોવાની ઓળખ આપી વિરાગ પટેલે કુલ 250 નંગ ઇન્વર્ટર બેટરીઓ ખરીદવા માટેનું વિશાળ ઓર્ડર બુકિંગ કરાવ્યું હતું.

ચાંદખેડામાં ઇન્વર્ટર બેટરીની છેતરપિંડી

બુકિંગ મુજબ, તારીખ 5 મે 2022ના રોજ ફરિયાદી દ્વારા રૂ. 22,93,900 ની કુલ કિંમત ધરાવતી 226 નંગ ઇન્વર્ટર બેટરીઓ આરોપીના બતાવેલા ગોડાઉન ખાતે પહોંચાડવામાં આવી હતી. બેટરીનો જથ્થો મેળવી લીધા બાદ આરોપી વિરાગ પટેલે પેમેન્ટ ચૂકવવા પેટે સહી કરેલો બેંક ચેક આપ્યો હતો. જોકે, વેપારીએ જ્યારે આ ચેક પોતાની બેંકમાં જમા કરાવ્યો ત્યારે ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે ચેક રિટર્ન (બાઉન્સ) થયો હતો.

ગોડાઉન બંધ કરી આરોપી થયો ફરાર

ચેક બાઉન્સ થયા બાદ વેપારીએ પોતાના નાણાં મેળવવા માટે વિરાગ પટેલનો વારંવાર સંપર્ક કર્યો હતો, પરંતુ આરોપી માત્ર વાયદાઓ આપતો રહ્યો હતો. આખરે શંકા જતાં વેપારીએ મોટેરા ખાતે આવેલી આરોપીની ઓફિસ અને કઠવાડા સ્થિત ગોડાઉન પર જઈને તપાસ કરતાં બંને સ્થળો બંધ હાલતમાં મળી આવ્યા હતા.પોતાની સાથે રૂ. 22,93,900 ની છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં વેપારીએ ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વિરાગ પટેલ સામે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:  Talaja: મથાવડામાં તળાવમાં ડૂબી જતાં 2 યુવાનોના મોત, 2 ને સ્થાનિકોએ સમયસૂચકતા વાપરી બચાવી લીધા



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *