મોરબીના વાંકાનેરમાં ભારતનો શ્રાવણ માસનો પ્રથમ લોકમેળો:જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાજ્યમંત્રીના હસ્તે 3 દિવસીય મેળો ખુલ્લો મુકાયો

📅 Published: August 23, 2026 | 📂 Category: gujarati-news

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીક રતન ટેકરી પર આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રાવણ મહિનાના લોકમેળાનો પ્રારંભ થયો છે. રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં લોકમેળો ખુલ્લો મુકાયો હતો. રાજ્યમંત્રીના જણાવ્યા મુજબ, શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ભારતમાં યોજાતા લોકમેળાઓ પૈકી સૌપ્રથમ મેળો જડેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાય છે. ત્રણ દિવસ સુધી મેળો ચાલશે
રતન ટેકરી પર સ્વયંભૂ જડેશ્વર દાદા બિરાજમાન છે. શ્રાવણ મહિનાના બીજા સોમવારે જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ હોવાથી દર વર્ષે અહીં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. અગાઉ બે દિવસ ચાલતા મેળાનું આયોજન હવે ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે. મેળામાં મોરબી અને સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા સાથે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જીતુ સોમાણી સહિત રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોની હાજરીમાં વિધિવત રીતે મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરિવાર સાથે રાજ્યમંત્રીએ માણી રાઇડ્સની મજા
મેળો ખુલ્લો મુક્યા બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ પોતાના પરિવાર સાથે વિવિધ રાઇડ્સમાં બેસીને આનંદ માણ્યો હતો. તેમની પત્ની જ્યોત્સનાબેન અમૃતિયા, પુત્ર પ્રથમ અમૃતિયા તેમજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના આગેવાનો અને તેમના પરિવારજનોએ પણ ફજેત, ટોરાટોરા, બ્રેક ડાન્સ અને ઝુલા સહિતની રાઇડ્સનો આનંદ લીધો હતો. શાંતિપૂર્ણ માહોલમાં મેળો માણવા અપીલ
રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે વર્ષોથી જડેશ્વર દાદાના સાનિધ્યમાં લોકમેળો યોજાય છે અને અત્યાર સુધી કોઈ અણબનાવની ઘટના બની નથી. પરિવાર સાથે મેળાની મુલાકાતે આવતા લોકો શાંતિપૂર્ણ માહોલમાં મેળાનો આનંદ માણે તેમજ જડેશ્વર મહાદેવના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ લે તેવી અપીલ તેમણે કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ
મેળામાં આવતા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શ્રાવણ માસમાં ધાર્મિક આસ્થા અને લોકમેળાની મોજનું અનોખું સંયોજન જોવા મળી રહ્યું છે. આજે મેળાના પ્રારંભના દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટતાં સમગ્ર રતન ટેકરી પર ઉત્સવનો માહોલ છવાયો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *