અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરપાટ ઝડપે દોડતા ઓવરલોડ માટી-દળ ભરેલા ડમ્પરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના મુખ્ય માર્ગો અને હાઇવે પર બેફામ રીતે દોડતા ભારે વાહનોના કારણે દરરોજ અકસ્માતનો ગંભીર ભય ઊભો થયો છે. સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓ આ માર્ગો પરથી પસાર થતી વખતે ભારે ફફડાટ અનુભવી રહ્યા છે.
મુખ્ય સર્કલો અને હાઇવે માર્ગો પર ઓવરલોડ વાહનોનો જમાવડો
ધોળકાના કલીકુંડ સર્કલ, પાર્શ્વનાથ સર્કલ, પુલેન સર્કલ તેમજ સરોડા-ધોળકા રોડ, સહીજથી ધોળકા રોડ, બગોદરા-ધોળકા રોડ અને વટામણથી ધોળકા રોડ સહિતના તમામ પ્રમુખ માર્ગો પર દિવસ-રાત ઓવરલોડ માટી ભરેલા ડમ્પરોની ભારે અવરજવર જોવા મળી રહી છે. નિયમ કરતાં વધુ પ્રમાણમાં માટી ભરીને જતાં આ વાહનો રોડ-રસ્તાને નુકસાન પહોંચાડી રહ્યા છે.

નંબરપ્લેટ વગરના વાહનો અને પોલીસ ચોકીઓ સામેથી પસાર થતા ડમ્પરો
ચોંકાવનારી બાબત એ છે કે કેટલાક ડમ્પરો કોઈ પણ પ્રકારની નંબરપ્લેટ વગર અથવા તો અસ્પષ્ટ નંબર સાથે ખુલ્લેઆમ રસ્તા પર દોડી રહ્યા છે. પોલીસ ચોકીઓની બિલકુલ પાસેથી આવા નિયમભંગ કરતા ડમ્પરો પસાર થતા હોવા છતાં તેમની સામે કોઈ સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવા અનેક પ્રશ્નો અને સવાલો તંત્રની કામગીરી સામે ઊભા થઈ રહ્યા છે.

ધૂળ-માટીની સમસ્યા અને તંત્ર પાસે કડક કાર્યવાહીની માગ
પૂરપાટ ઝડપે દોડતા આ ભારે વાહનોમાંથી સતત ધૂળ અને માટી ઉડવાના કારણે પાછળ આવતા વાહનચાલકોની દ્રશ્યતા ઘટે છે અને શ્વાસ સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી ખાણ-ખનીજ વિભાગ, ધોળકા પોલીસ, મામલતદાર કચેરી તેમજ પ્રાંત અધિકારી સહિતના સંબંધિત તંત્ર દ્વારા સંયુક્ત રીતે આકસ્મિક તપાસ હાથ ધરી ઓવરલોડ અને નંબરપ્લેટ વગરના વાહનો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.
આ પણ વાંચો – Ahmedabad ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે દ્વિ-દિવસીય એડવાન્સ શોલ્ડર સર્જરી વર્કશોપનું સમાપન કરાયું
