અમદાવાદ શહેરના વાસણા પોલીસ મથકની ટીમે ગેરકાયદે નશાકારક કફ સિરપનું વેચાણ કરતા એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. વાસણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, શાહનવાઝ ઉર્ફે શાનું અન્સારી નામનો ઈસમ પોતાની ઓટો રિક્ષામાં કોડેઇનયુક્ત કફ સિરપનો જથ્થો રાખીને ગુપ્તાનગર વિસ્તારમાં વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ગરીબનવાજ હોટલની ગલીમાં કુબા મસ્જિદ પાસે દરોડો પાડીને આરોપીની રિક્ષાને ઘેરી લીધી હતી.
રિક્ષામાંથી 387 બોટલો અને રૂ. 1.51 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે અટકાયત કરેલી રિક્ષાની સઘન તપાસ કરતા તેના ચાર બોક્સમાંથી કુલ 387 નંગ કફ સિરપની બોટલો મળી આવી હતી. આ તમામ બોટલો 100 ML ક્ષમતાની હતી અને એક બોટલની કિંમત રૂ. 261 લેખે કુલ કિંમત રૂ. 1,01,007 થાય છે. પોલીસે કફ સિરપના જથ્થા સાથે એક મોબાઈલ ફોન અને રિક્ષા (નંબર: GJ-01-TD-8230) મળીને કુલ રૂ. 1,51,507 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દાણીલીમડાથી ખરીદી છૂટક વેચાણ અને આરોપી પોતે પણ નશાનો બંધાણી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી શાહનવાઝ છેલ્લા 2 થી 3 મહિનાથી આ ગેરકાયદે વેચાણ સાથે સંકળાયેલો હતો. તે દાણીલીમડાના મુસ્તાક નામના શખ્સ પાસેથી એક બોટલ આશરે રૂ. 200 માં ખરીદતો હતો અને ત્યારબાદ જરૂરિયાતમંદોને રૂ. 300 થી રૂ. 400 માં છૂટકમાં વેચતો હતો. વધુમાં, આરોપી પોતે પણ આ નશાકારક કફ સિરપ પીવાનો ભારે બંધાણી હોવાનું સામે આવ્યું છે.

FSL તપાસ અને NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ
ઝડપાયેલી કફ સિરપમાં Codeine Phosphate હોવાની પ્રાથમિક શક્યતા FSL અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ચોક્કસ અને સ્પષ્ટ અભિપ્રાય મેળવવા માટે સેમ્પલ DFSL ગાંધીનગરના નાર્કોટિક્સ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. વાસણા પોલીસે આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને મુખ્ય સપ્લાયર મુસ્તાકને પકડવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો – Ahmedabad News: ધોળકામાં બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરોનો આતંક, રસ્તા પર પૂરપાટ ઝડપે દોડતું મોત
