સુરતમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ લોકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અને ભેળસેળયુક્ત ખોરાક અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આજકાલ બજારમાં મળતી ખાણી-પીણીની વસ્તુઓમાં થતી ભેળસેળ નાગરિકોના આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. મંત્રીએ લોકોને જાગૃત બનીને પોતાના આહાર પ્રત્યે વિશેષ કાળજી રાખવા અપીલ કરી હતી.
સુમુલ ડેરી કરતા સસ્તા ભાવે મળતા ઘી સામે સાવચેત રહેવાની સલાહ
આરોગ્ય મંત્રીએ નાગરિકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો કોઈ વેપારી કે સંસ્થા સુમુલ ડેરીના ભાવ કરતા પણ સસ્તા ભાવે ઘી આપતી હોય, તો તેવું ઘી ક્યારેય ખરીદવું નહીં. આટલા સસ્તા ભાવે મળતું ઘી ચોક્કસપણે ભેળસેળયુક્ત હોઈ શકે છે, જે શરીર માટે અત્યંત હાનિકારક છે. તેમણે ઉમેર્યું હતું કે, આવા ભેળસેળિયા તત્વો સામે તંત્ર ‘ડંડા લઈને બરાબર ફીટ કરશે’ અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.
તાલુકા દીઠ વધતા ડાયાલિસિસના કેસોનું મુખ્ય કારણ અશુદ્ધ ખોરાક
ગુજરાતની આરોગ્ય સેવાઓની સ્થિતિ અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે, આજે રાજ્યના દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવા પડ્યા છે. પહેલાના સમયમાં ભાગ્યે જ ક્યારેક કોઈ દર્દીને ડાયાલિસિસની જરૂર પડતી હતી, જ્યારે આજે તાલુકા દીઠ 25 થી 50 લોકોને અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ કરાવવું પડે છે. ડાયાલિસિસના દર્દીઓની આટલી મોટી સંખ્યા પાછળ આપણી આધુનિક અસંતુલિત અને ભેળસેળવાળી ખાણી-પીણીની પદ્ધતિ જ જવાબદાર છે.
રેસ્ટોરન્ટ માલિકોને ચોખ્ખો ખોરાક પીરસવા અપીલ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને પણ મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ગ્રાહકોને અને સમાજને શુદ્ધ તેમજ ચોખ્ખો ખોરાક પીરસવો એ પણ એક પ્રકારની મોટી સમાજ સેવા જ છે. વેપારીઓએ માત્ર નફાખોરી પાછળ ન દોડતા લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ.
આ પણ વાંચો – Surat: ઉધનામાં 1 વર્ષથી સીલ કરાયેલા AP માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો, ડાયરીમાં મળેલા નામથી પોલીસ તપાસ શરુ
