અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની ગેરકાયદેસર તસ્કરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શારજાહથી એર અરેબિયાની ફ્લાઈટ નંબર G9-418 દ્વારા અમદાવાદ આવી પહોંચેલી એક મહિલા મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગે રૂ. 83.14 લાખની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે. કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) ની ટીમે શંકાસ્પદ પ્રોફાઈલિંગના આધારે આ મહિલાની અટકાયત કરી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
હાઈનેક સ્વેટરમાં સોનાની ચેઈન છુપાવી હતી
કસ્ટમ્સ ટીમે મહિલા મુસાફરનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરતાં તેમાંથી કસ્ટમ ડ્યુટી ચોરી કરવાની અનોખી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો હતો. આ મહિલાએ પોતાના શરીર પર પહેરેલા હાઈનેક સ્વેટરમાં અત્યંત ચાલાકીપૂર્વક સોનાની ચેઈનો છુપાવી રાખી હતી. મહિલા પાસેથી કુલ 499.540 ગ્રામ વજન ધરાવતું 24 કેરેટનું શુદ્ધ સોનું મળી આવ્યું હતું, જેની વર્તમાન બજાર કિંમત રૂ. 83,14,843 જેટલી આંકવામાં આવી છે.
કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો, વધુ તપાસ ચાલુ
કસ્ટમ્સ વિભાગ દ્વારા કસ્ટમ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગેરકાયદેસર લવાયેલું સોનું જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોનાની તસ્કરીના આ કેસમાં મહિલા મુસાફરની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી, જોકે બાદમાં કાનૂની જોગવાઈ મુજબ તેને જામીન પર મુક્ત કરવામાં આવી છે. આ સોનું કોના માટે લાવવામાં આવ્યું હતું અને આ નેટવર્કમાં અન્ય કોઈ ઈસમો સામેલ છે કે કેમ તે દિશામાં કસ્ટમ્સ એજન્સી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો : Vadodara News : શિનોર પોલીસનો મોટો સપાટો, ઝૂંપડામાંથી 232 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
