Vadodara News : શિનોર પોલીસનો મોટો સપાટો, ઝૂંપડામાંથી 232 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

📅 Published: August 23, 2026 | 📂 Category: Baroda

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં નશીલા પદાર્થોના કારોબાર સામે પોલીસે કડક સપાટો બોલાવ્યો છે. “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત શિનોર પોલીસે ચોક્કસ બાતમીના આધારે અવાખલ ગામે આવેલ એક ઝૂંપડામાં સઘન દરોડો પાડ્યો હતો. પોલીસની આ અચાનક કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 232.010 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડીને નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર બ્રેક લગાવવામાં આવી છે.

અવાખલના દેસાઈ ફળિયામાંથી આરોપી રંગેહાથ ઝડપાયો

પોલીસને બાતમી મળી હતી કે અવાખલ ગામના દેસાઈ ફળિયામાં આવેલા એક ઝૂંપડામાંથી ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીને આધારે પોલીસે રેડ કરીને 43 વર્ષીય સુનજી નારીયા ભીલ નામના શખ્સને કબ્જામાંથી ગાંજા સાથે દબોચી લીધો હતો. દરોડા દરમિયાન પોલીસે નશીલા પદાર્થ ગાંજા સહિત કુલ રૂ.11,650 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ

શિનોર પોલીસે આ મામલે ઝડપાયેલા આરોપી સુનજી ભીલ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની વિધિવત અટકાયત કરી છે. આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના તાર અન્ય કયા બુટલેગરો કે નેટવર્ક સાથે જોડાયેલા છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Vadodaraના બાપોદમાં SMCનો મોટો દરોડો, રૂ.1 કરોડથી વધુનો વિદેશી દારૂ અને વાહનો ઝડપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *