બાઈક સ્લીપ થતાં 3 બહેનોના એકમાત્ર ભાઈનું મોત:અંજારમાંથી ચોરી કરનાર શખ્સ ઝડપાયો, ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલા 3 વાહનો ચોરાઉ નીકળ્યા

📅 Published: August 23, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ શહેરમાં માર્ગ અકસ્માત અને વાહન ચોરી સંબંધિત મહત્વની ઘટનાઓ સામે આવી છે. મોરબી રોડ પર બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા કડિયાકામ કરતા પ્રૌઢનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું, જેથી રક્ષાબંધન પૂર્વે જ 3 બહેનોએ એકમાત્ર ભાઈની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ એલસીબી ઝોન-2 ટીમે અંજારમાંથી બાઈક ચોરી કરનાર યુવકને ઝડપી પાડ્યો છે, જ્યારે ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગર ડિટેઈન કરેલા 3 વાહનો ભૂતકાળમાં વિવિધ વિસ્તારોમાંથી ચોરાયેલા હોવાનો ખુલાસો થયો છે. વેલનાથપરા પુલ પર બાઈક સ્લીપ થતાં પ્રૌઢનું મોત, પરિવારમાં માતમ
મોરબી રોડ પર આવેલ ફાટક પાસે રાધિકા પાર્કમાં રહેતા અને કડિયાકામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા દિપેશભાઈ મનહરભાઈ અજાગીયા પોતાનું બાઈક લઈને કોઠારીયા રોડ પર રહેતા મિત્રને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન મોરબી રોડ પર વેલનાથપરાના પુલ પરથી પસાર થતી વખતે અચાનક બાઈક સ્લીપ થઈ જતાં તેઓ રોડ પર પટકાયા હતા. માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં મોડી રાત્રે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બી-ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક 3 બહેનોના એકમાત્ર ભાઈ હોવાથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. LCB ઝોન-2 એ અંજારમાંથી વાહન ચોરી કરનાર રાજકોટના યુવકને ઝડપ્યો
રાજકોટ શહેર ઝોન-2 એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે હનુમાન મઢી ચોકમાંથી શંકાસ્પદ બાઈક સાથે ઊભેલા દિનેશ ઉર્ફે નીતિન જમણપરીયા (ઉંમર 20 વર્ષ) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે હીરો સ્પ્લેન્ડર બાઈકના કાગળો માંગતા તે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો. કડક પૂછપરછ દરમિયાન તેણે આ વાહન વર્ષ 2025 માં અંજાર ખાતેથી ચોરી કર્યું હોવાની કબૂલાત આપી હતી. પોલીસે 20,000 રૂપિયાની કિંમતનું ચોરાઉ બાઈક કબ્જે કરી આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલા નંબર પ્લેટ વગરના 3 એક્ટિવા ચોરાઉ હોવાનો પર્દાફાશ
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 1 મહિનાથી નંબર પ્લેટ વગર દોડતા વાહનો સામે શરૂ કરાયેલી વિશેષ ડ્રાઈવમાં ડિટેઈન કરાયેલા 3 એક્ટિવા વાહનો ચોરાઉ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ રેકોર્ડ તપાસતા સામે આવ્યું કે GJ-03-PE-7273 નંબરનું એક્ટિવા 3 ઓગસ્ટ 2026 ના રોજ ડિટેઈન કરાયું હતું જે 6 નવેમ્બર 2025 ના રોજ ચોરાયું હતું. જ્યારે GJ-37-P-0582 નંબરનું એક્ટિવા 6 ઓગસ્ટ 2026 ના રોજ ડિટેઈન કરાયું હતું જે 10 જુલાઈ 2025 ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું હતું. આ ઉપરાંત GJ-03-NJ-0857 નંબરનું એક્ટિવા 28 જુલાઈ 2026 ના રોજ ડિટેઈન કરાયું હતું જે 12 મે, 2024ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું સામે આવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *