Surat: કામરેજના કોસમાડા, એન્થમ સર્કલ વિસ્તારના સાત એકમોમાં ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડયા

📅 Published: August 23, 2026 | 📂 Category: Surat

કામરેજના કોસમાડા અને એન્થમ સર્કલ વિસ્તારમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અહીંથી અંદાજે 22477 રૂપિયા કિંમત ધરાવતી કુલ 172 કિલોગ્રામ અખાદ્ય સામગ્રી જપ્ત કરીને સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ગંભીર બેદરકારી દાખવનાર બે જાણીતા રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યા છે.

ફૂડ સેફ્ટી ઓફિસર સી.એન.પરમાર, યુ.એસ.પાટીલ, વી.ડી.પટેલ અને બી.એન.ચૌધરીની ટીમે સંયુક્ત રીતે વિસ્તારનાં સાત જેટલા એકમોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. કેટલાક એકમોમાં ગંદકી વચ્ચે ખાદ્ય પદાર્થો તૈયાર થતા હોવાનું, માન્ય ફૂડ લાઇસન્સ ન હોવાનું તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી અખાદ્ય સામગ્રી પીરસવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. નિયમોના ઉલ્લંઘન અને ગંભીર બેદરકારીને ધ્યાને રાખીને એન્થમ સર્કલ નજીક કોસમાડા ખાતે આવેલા ખોડિયાર કાઠિયાવાડી ઢાબા તેમજ અવસર ગાર્ડન રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ બંને એકમોને જરૂરી તમામ સુધારા કરી સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું સંપૂર્ણ પાલન કર્યા બાદ જ ફરીથી વ્યવસાય શરૂ કરવાની તાકીદ કરવામાં આવી છે. આ સાથે જ વિસ્તારનાં તમામ ખાદ્ય વ્યાવસાયિકોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 અને તેના નિયમોના શેડયુલ-4નું ચુસ્તપણે પાલન કરવાની કડક ચેતવણી આપવામાં આવી છે. ઉપરોક્ત સમગ્ર કાર્યવાહી અંગે સુરત ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના એચ.કે.સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને વિભાગની સૂચના મુજબ સમગ્ર ગુજરાતમાં હોટલો, રેસ્ટોરન્ટો અને ખાણીપીણીના સ્ટોરોમાં સાફસફાઇ તથા હાઇજીન બાબતે વિશેષ અભિયાન ચાલી રહ્યુ છે. જેના અનુસંધાને સુરત શહેરને અડીને આવેલા કોસમાડા અને એન્થમ સર્કલ વિસ્તારમાં ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ જે એકમો કાયદાનું કે હાઇજીનનું પાલન નહીં કરે તેમની સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *