આજે 24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસે ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં રહેલી વ્યાકરણની ભૂલોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. વર્ષ 2016માં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા છાપવામાં આવેલા ધોરણ-9ના ગુજરાતી ભાષાના પુસ્તકમાં એક જ પેજ પર અસંખ્ય ભૂલો હોવાનો ડૉ. બી. સી. રાઠોડ અને નિવૃત પ્રાધ્યાપિકા ડો. રક્ષાબહેન દવે દ્વારા દાવો કરાયો છે. પ્રો. બી. સી. રાઠોડે તો 2017માં જ આ ભૂલો બાબતે પાઠ્ય પુસ્તક મંડળનું ધ્યાન દોર્યું હોવા છતાં 10 વર્ષથી ભૂલ સુધારવાની કોઈએ તસદી ન લીધી હોવાનો દાવો કરાયો છે. પ્રોફેસરોના મતે આ ભૂલોના કારણે વિદ્યાર્થીઓ ખોટું શીખી રહ્યા છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ નુકસાન સહન કરવું પડી શકે. ગુજરાતી વિષયની બુકના પેજ નંબર 32 પર 16 ભૂલ હોવાનો દાવો
પ્રોફેસર બી. સી. રાઠોડે જણાવ્યું કે, ધોરણ-9ના ગુજરાતી પાઠ્યપુસ્તકના પેજ નં. 32 પર આપવામાં આવેલા એક કોષ્ટકમાં તેમને આશરે 16 જેટલી ભૂલો જોવા મળી છે. તેમાં માત્ર પ્રિન્ટિંગ કે જોડણીની ભૂલો નથી, પરંતુ વ્યાકરણ અને કન્સેપ્ટની ભૂલો પણ છે. તેમના મતે ‘અત્યારે’, ‘હાલમાં’ અને ‘હમણાં’ જેવા ક્રિયાવિશેષણોને કોઠામાં સર્વનામ તરીકે દર્શાવવામાં આવ્યાં છે. તેઓ કહે છે કે આવી ભૂલ માત્ર પુસ્તક પૂરતી સીમિત રહેતી નથી, કારણ કે શિક્ષક પાઠ્યપુસ્તકને આધાર બનાવીને ભણાવે છે અને પરિણામે વિદ્યાર્થીઓ પણ ખોટું શીખી શકે છે. MCQમાં પણ ખોટા જવાબનો આક્ષેપ
પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા MCQ (મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ) પ્રશ્નોમાં પણ 4થી 5 જેટલા પ્રશ્નોના જવાબમાં ભૂલો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ‘એ મંદિર અપૂજ રહે છે’ વાક્યનું ઉદાહરણ આપતાં પ્રોફેસર રાઠોડે જણાવ્યું કે, તેમાં ‘એ’ને ‘દર્શક સર્વનામ’ તરીકે દર્શાવવામાં આવ્યું છે, જ્યારે તેમના મતે તે દર્શક વિશેષણ છે. આવી ભૂલ પરીક્ષામાં પ્રશ્નરૂપે પુછાય તો વિદ્યાર્થી સાચો જવાબ આપે છતાં પાઠ્યપુસ્તકમાં આપેલા ખોટા જવાબના કારણે નુકસાન ભોગવી શકે છે. TET-TATમાં પણ પાઠ્યપુસ્તકની ભૂલનો મુદ્દો ઊઠ્યો હતો
‘મારો હંસલો નાનો ને દેવળ જૂનો થયો’ના અલંકાર અંગે પણ તેમણે અગાઉની TET-TAT પરીક્ષાનો ઉલ્લેખ કર્યો. તેમના જણાવ્યા પ્રમાણે પાઠ્યપુસ્તકમાં તેને અતિશયોક્તિ અલંકારનું ઉદાહરણ ગણાવવામાં આવ્યું છે, જ્યારે તેમના મતે તે અન્યોક્તિ અલંકારનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે પાઠ્યપુસ્તકમાં આપેલા જવાબને પરીક્ષા બોર્ડ આધાર માને તો વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. અગાઉ TETની પરીક્ષામાં પણ આવી ભૂલના કારણે વિદ્યાર્થીઓને નુકસાન થયું હોવાનો તેમણે દાવો કર્યો. સાર્થ જોડણીકોશમાં પણ ‘હજારો ભૂલો’ હોવાનો દાવો
પ્રોફેસર રાઠોડે ગુજરાતી ભાષાના આધારરૂપ ગણાતા ‘સાર્થ જોડણીકોશ’માં પણ મોટી સંખ્યામાં ભૂલો હોવાનો દાવો કર્યો. તેમના જણાવ્યા પ્રમાણે તેમાં હલંત વ્યંજનની 500થી વધુ ભૂલો છે. ‘કે’ સંયોજક બાદ આવતા ક્રિયાપદોના ઉપયોગમાં પણ આશરે 500થી 1000 જેટલી ભૂલો હોવાનો તેમનો દાવો છે. તેમણે કેટલાંક પેજ પર જ 16-16 જેટલી ભૂલો હોવાનો ઉલ્લેખ કર્યો છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નોમાં જોડણી કે વ્યાકરણ અંગે વિવાદ થાય અને મામલો અદાલત સુધી પહોંચે ત્યારે શબ્દકોશને આધાર બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે. ‘ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સર્વનામના પ્રકરણમાં 9 પ્રકારની ભૂલો’: ડૉ. રક્ષાબેન દવે
ગુજરાતીના પાઠ્યપુસ્તકના 32મા પાનામાં સર્વનામના પ્રકારો સમજાવતી વખતે ગંભીર વ્યાકરણની ભૂલો હોવાનો દાવો નિવૃત્ત પ્રાધ્યાપિકા અને ગુજરાતી ભાષાવિદ્ ડૉ. રક્ષાબહેન દવેએ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ પાનામાં પુરુષવાચક સર્વનામ, સ્વવાચક સર્વનામ અને દર્શક સર્વનામની માહિતી યોગ્ય છે, જ્યારે ત્યારબાદ આપવામાં આવેલા સ્થાનવાચક, સમયવાચક, રીતિવાચક, જથ્થાવાચક, માપવાચક, સરખામણી, કારણ અને સંબંધવાચક સર્વનામ જેવા પ્રકારો સર્વનામ તરીકે માન્ય નથી. એટલે સંવાદમાં જણાવાયેલાં નામોના આધારે કુલ 8 પ્રકારો ખોટા હોવાનું રક્ષાબહેન દવે જણાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે 32મા પાનાના નીચેના ભાગમાં આપેલા વર્ગીકરણમાં ભૂલ છે.
ધોરણ 9ની ગુજરાતી વિષયની બુકના એક પેજમાં 16 ભૂલ!:પ્રોફેસરોએ પેઈજ વાઈઝ ભૂલો બતાવી, 2017માં જ ભોપાળું છતું કર્યું તો પણ 10 વર્ષ સુધી ભૂલ ન સુધારી
📅 Published: August 23, 2026 |
📂 Category: gujarati-news
