દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… અમરેલીમાં CM બાદ અમિત શાહની એન્ટ્રી! પાટીદાર પ્રભાવ વચ્ચે 2027નું ગણિત ચકાસાઈ રહ્યું છે?
અમરેલીમાં 15 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી અને હવે માત્ર 12 દિવસમાં 27 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની એન્ટ્રી થવાની છે. વિકાસ અને સરકારી કાર્યક્રમો સત્તાવાર કારણ છે, પરંતુ રાજકીય ગલીઓમાં ચર્ચા કંઈક બીજી જ છે! અમરેલીમાં પાટીદાર મતદારોનો નોંધપાત્ર પ્રભાવ હોવાથી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજના રાજકીય મૂડ અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપનું અમરેલી પર ફોકસ વધ્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને મુખ્યમંત્રીની મુલાકાત બાદ આટલા ટૂંકા ગાળામાં અમિત શાહનો પ્રવાસ થતાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું સૌરાષ્ટ્રમાં પાટીદાર સહિતના સામાજિક-રાજકીય સમીકરણોનું અત્યારથી જ ‘ટેસ્ટિંગ’ શરૂ થઈ ગયું છે? જોકે આ રાજકીય ચર્ચા અને અટકળો છે; સત્તાવાર રીતે શાહના પ્રવાસને પાટીદાર મતબેંક સાથે જોડવામાં આવ્યો નથી. આનંદીબહેને રાજીનામું આપ્યાની સોશિયલ મીડિયા પર અફવા, અફવા ફેલાવવા પાછળ કોનુ ભેજું ?
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનનારા અને હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેની જવાબદારી નિભાવનારા આનંદીબહેન પટેલના સંદર્ભમાં ફરીથી આજે સોશિયલ મીડિયામાં અફવાઓ શરુ થઈ છે. રક્ષાબંધનના તહેવારમાં પરિવાર સાથે સમય ગાળી શકાય તે માટે આનંદીબહેન એક અઠવાડીયાની સત્તાવાર રજા લઈને ગુજરાતમાં-અમદાવાદમાં આવી ગયા છે. જેને લઈને લોકો પોતાને મનમાં આવે એ રીતનુ અર્થઘટન કરી રહ્યા છે.એક વ્યકિતએ ટ્વીટ કરીને લખ્યુ છે કે,યુપીના રાજ્યપાલે કેન્દ્ર સરકાર પાસેથી પોતાને રાજ્યપાલની જવાબદારીમાંથી મુક્ત થવાની અપીલ કરી હતી જેને કેન્દ્રએ તેમની આ અપીલને સ્વીકારી લીધી છે. જેને પગલે સોશિયલ મીડિયામાં જાતજાતની ચર્ચા શરુ થઈ છે. આ માત્ર અફવા છે. આનંદીબહેન આજે પણ યુપીના રાજ્યપાલ જ છે. આ પ્રકારની અફવા ફેલાવવા પાછળ કોનુ ભેજુ કામ કરી રહ્યુ છે અને કોને શું રાજકીય લાભ થઈ શકે તેમ છે તેની ચર્ચા શરુ થઈ છે. 2027ની ચૂંટણીની તૈયારીના બદલે કોંગ્રેસમાં આંતરિક કમઠાણ હજુ યથાવત
કોંગ્રેસનાનેતા રાહુલ ગાંધી 2027માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવાનો પડકાર આપીને બેઠા છે. બીજી તરફ તેનાથી બેખબર હોય તેમ કોંગ્રેસમાં આંતરિક કમઠાણ વધી ગયુ છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના કેટલાક નેતાઓ દિલ્હીમાં પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને મળીને સંગઠનમાં બધુ યોગ્ય નહીં હોવાની ફરિયાદ કરી આવ્યા હોવાનું બહાર આવ્યું છે. તો કોંગ્રેસના એક જૂથમાં સંગઠન નહીં પણ વિધાનસભા મોરચે અસંતોષ છે. વિધાનસભા પક્ષના નેતા ડો. તુષાર ચૌધરી રાહુલ ગાંધીએ આપેલો પડકાર ઝીલવા ઠંડા હોવાની ગણના થાય છે. તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય ભાજપ સાથે સેટીંગ માટે જાણીતા છે. આદિવાસીઓ પર પક્કડ ધરાવતા ધારાસભ્ય અનંત પટેલ કે આક્રમક ગણાતા જીજ્ઞેશ મેવાણીને વિધાનસભા પક્ષના નેતાની બાગડોર સોંપવા ઉત્સુક છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ પણ કોંગ્રેસમાં કોઇ મોટો ફેરફાર દેખાઇ રહ્યો નથી. ભાજપમાં રહીને જ વરૂણ પટેલ અનામત આંદોલન ચલાવે છતાં કોઈ પગલા નહીં!,ભાજપની લાચારી કે મજબૂરી
વરૂણ પટેલ જેવા ભાજપમાં થોડા વર્ષો પહેલા જોડાયા હોય અને પક્ષમાં જ રહીને અનામત હટાવો આંદોલનને સમર્થન આપે તો તેમની સામે પગલાં લેવાની વાત તો દૂર પણ ભાજપ કે સરકારના પ્રવક્તા જાહેરમાં કોઇ નિવેદન હજુ સુધી કરી શક્યા નથી. મૂળ પાટીદાર આંદોલનકારી તરીકે ભાજપના ટોચના નેતાઓ વિરૂધ્ધ બેફામ વાણી વિલાસ છતાં ભાજપ દ્વારા તેમને પક્ષમાં લેવાયા હતા. હાલ તેઓ રિઝર્વેશન હટાઓ આંદોલન સોશિયલ મીડિયા થકી ચલાવી રહ્યા છે. ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ તેમના આંદોલનથી અજાણ હોય તેમ મૌન છે. ભૂતકાળમાં જ્યારે રાજ્યમાં પાટીદાર સમાજના આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા અને પાટીદાર આંદોલનકારીઓએ આંદોલન કર્યું તેના કારણે સીએમ બદલવાની ફરજ પડી હતી. હાલ પણ પાટીદાર સમાજના જ મુખ્યમંત્રી છે અને પાટીદાર આંદોલનકારીઓએ અનામત હટાવોના નામે આડકતરી રીતે સરકાર સામે જ મોરચો માંડવાની શરૂઆત કરી દીધી છે. જેને લઈને ચર્ચા શરુ થઈ છે કે, ભાજપમાં રહીને જ સરકાર સામે આંદોલન ચલાવે છે છત્તા કોઈ પગલા લેવાતા નથી તેની પાછળ ચોક્કસ નેતાઓની કોઈ મજબૂરી છે કે લાચારી છે તે સમજાતુ નથી.. 35 ફોર્મથી લોધિકા સંઘમાં ગરમાવો! હવે ‘કોણ બેસે અને કોણ પાછું ખેંચાય’નો ખેલ?
રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં 16 બેઠકો સામે 35 માન્ય ફોર્મ પડતાં સહકારી ચૂંટણી હવે સીધી ‘પ્રતિષ્ઠાની લડાઈ’ બની ગઈ હોવાની ચર્ચા છે. બે બેઠકો બિનહરીફ થયા બાદ હવે બાકીની બેઠકો પર 27 ઓગસ્ટ સુધી ફોર્મ પરત ખેંચાવવાની કવાયત શરૂ થઈ છે, એટલે આગામી થોડા દિવસમાં કોણ કોને મનાવે છે અને કોણ મેદાન છોડે છે તેના પર સૌની નજર છે. મેન્ડેટ મુદ્દે સમાધાન ન થતાં જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથના સમર્થકો વચ્ચેનું ગણિત વધુ રસપ્રદ બન્યું છે. ચેરમેનપદ માટે અરવિંદ રૈયાણી અને નીતિન ઢાંકેચાના નામની ચર્ચા વચ્ચે હવે ‘ડેમેજ કંટ્રોલ’ કેટલું સફળ થાય છે તે જોવાનું રહેશે. 8 સપ્ટેમ્બરના મતદાન પહેલાં રાજકોટના સહકારી રાજકારણમાં ફોન, બેઠકો અને સમજાવટનો દોર તેજ થાય તો નવાઈ નહીં! સુમુલની ખુરશી ખાલી, ‘સાહેબોના ફોન’ રણક્યા! 15-1ના ગણિત વચ્ચે કોના નામે વાગશે મહોર?
સુમુલ ડેરીમાં ભાજપ પ્રેરિત પેનલના 16માંથી 15 સભ્યો જીત્યા બાદ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સહેલાઈથી થઈ જશે એવું લાગતું હતું, પરંતુ છેલ્લી ઘડીએ ચૂંટણી મોકૂફ થતાં હવે ખુરશી કરતાં તેની પાછળનું રાજકીય ગણિત વધારે ચર્ચામાં છે. સત્તાવાર રીતે વહીવટી કારણો જણાવાયા છે, પરંતુ સહકારી વર્તુળોમાં પ્રમુખપદ માટે સર્વસંમતિ ન બનવા અને અંદરખાને ખેંચતાણ હોવાની ચર્ચા જોરમાં છે. 15-1નું આંકડાકીય વર્ચસ્વ હોવા છતાં જો બે મહત્વની ખુરશીઓ માટે નિર્ણય અટકી ગયો હોય તો ‘વાતમાં કંઈક તો છે’ એવી ચર્ચા સ્વાભાવિક છે. હવે નવી ચૂંટણી તારીખ ક્યારે જાહેર થાય, કોનું નામ આગળ આવે અને છેલ્લે કોની ઉપર ‘સાહેબો’ની મહોર લાગે, તેની રાહ સુરત-તાપીના સહકારી રાજકારણમાં જોવાઈ રહી છે. નકારાત્મક માનસિકતા ધરાવતા IAS અધિકારીથી મંત્રી પણ પરેશાન
મંત્રીઓ તેમને મળેલા ખાતાઓની કામગીરી કેવી અને કેટલી ઝડપથી કરી શકશે તેનો આધાર તેમના વિભાગમાં ફાળવાયેલા સનદી અધિકારી ઉપર હોય છે. આ વખતે એક ઉત્સાહી મંત્રીને તેમના વિભાગમાં એક એવા સનદી અધિકારી મળ્યા છે કે મંત્રી તેમનાથી કંટાળી ગયા છે. મંત્રીના કાર્યાલયમાંથી કોઇ સામાન્ય કામ માટે પણ તેમને કહેવડાવાય તો પણ મોટાભાગે તે અધિકારીનો નન્નો જ હોય છે. તેના કારણે મંત્રી ઉપર અધિકારી નેગેટીવ જ હોવાની છાપ પડી ગઇ છે. પોતાના કાર્યાલયમાં પણ તેમણે આ અધિકારીને શક્ય હોય ત્યાં સુધી કોઇ કામ કે અરજદારને નહીં મોકલવા અને અન્ય અધિકારીને કહેવા માટે સૂચના આપી દીધી છે. સચિવાલયના જાણકારોના કહેવા મુજબ અન્ય વિભાગમાં પણ કેટલાક અધિકારી એવા પણ છે જેમને ખાતા પ્રત્યે કોઇ લગાવ નથી પરંતુ ફરજ નિભાવ્યે રાખે છે. એકતરફ રાજ્યમાં આગામી સમયમાં અનેક મોટી ઇવેન્ટ આવી રહી છે ત્યારે કામગીરીમાં ઠંડા કે નેગેટિવ માનસિકતા ધરાવતા અધિકારીઓ હોય તો કામગીરી સમયસર અને યોગ્ય સંકલન સાથે પૂર્ણ થવામાં અવરોધો નડશે કે કેમ તે સમય જ કહેશે. ગુજરાતમાં વાઘ આવ્યો પણ વાઘણ અપાતી નથી,વાઘ પરત જતો રહે એવી દહેશત!
ગુજરાત સમગ્ર દેશમાં એકમાત્ર એવું રાજ્ય હશે જ્યાં વાઘ, સિંહ અને ચિત્તા પણ જંગલમાં વસતા હશે તેવી વાતો લાંબા સમયથી થાય છે પણ હજુ તે ફળીભૂત કેમ થઇ રહી નથી તેનું વન વિભાગને પણ આશ્ચર્ય છે. છેલ્લા 17 મહિનાથી છોટાઉદેપુર-દાહોદ વિસ્તારમાં એક વાઘ સ્થાયી થયો છે. વાઘ માટે ગુજરાત લાંબા સમયથી વાઘણની માગણી કરી રહ્યું છે પરંતુ હજુ સુધી ગુજરાતને વાઘણ અપાઇ નથી. અનેક પ્રક્રિયાના પાલન છતાં હજુ સુધી કેમ વાઘણ ગુજરાતને અપાઇ નથી તેની પાછળનું કારણ શું છે તે વિશે પણ અનેક અટકળો ચાલી રહી છે. જાણકારોને હવે એવી ભીતિ સતાવી રહી છે કે, માંડ માંડ ગુજરાતમાં સ્થાયી થયેલો વાઘ પરત ન જતો રહે. ભૂતકાળમાં પણ આવી રીતે થયેલું છે. વાઘ ઉપરાંત કચ્છમાં ચિત્તાને લાવવા માટે તમામ તૈયારી ગુજરાત દ્વારા કરાઇ છે. ચિત્તાને શિકાર માટે તૃણાહારી પ્રાણીઓને પણ છોડવામાં આવ્યા છે. ચારથી પાંચ ચિત્તા એકસાથે લવાશે તેવી હૈયાધારણ મળી રહી છે પરંતુ હજુ સુધી તે પણ ગુજરાતને મળ્યા નથી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સિંહો દ્વારા બાળકથી લઇને વયસ્કોનો શિકાર થઇ રહ્યો છે તેની પાછળનું કારણ પણ હજુ વન વિભાગ શોધી શક્યું નથી. ઉપરાંત દીપડાનો પણ ત્રાસ વધ્યો છે જ્યારે વાઘ વાઘણ ક્યારે આવશે તેની રાહ જોઈને કંટાળી ગયો છે. CMOના એક અધિકારીની ખોટી સૂચનાઓનુ પાલન નહી કરનારા વર્ગ-1ના અધિકારીની એક વર્ષમાં જ બદલી…
મુખ્યમંત્રી કાર્યાલયમાં કેટલાક અધિકારીઓને કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરી રહ્યા છે. મુખ્યમંત્રી પાસે જે ખાતા ન હોય તેમાં તેઓ રસ લઈ રહ્યા છે. જેની મુખ્યમંત્રીને પણ ખબર હોતી નથી. તેઓ શહેરી વિકાસ વિભાગમાં નગર નિયોજકો તરીકે ફરજ બજાવતા વર્ગ-1ના 10 અધિકારીઓની એકાએક અને ચૂપચાપ,સાગમટે બદલી કરી દેવાઈ છે. જેમાં ઔડામા ફરજ બજાવતા ભાવિન મેવાડાના નામે સૌને ચોંકાવી દીધા છે. કેમકે તેઓને હજુ એક વર્ષ પણ પૂરુ થયુ નથી. ચર્ચા મુજબ, તેઓ પોતાની પાસે એક પણ ફાઈલને પેન્ડિંગ રાખતા નહોતા. સીએમઓમાં કોન્ટ્રાક્ટ પર રહેલા એક અધિકારીની નિયમો વિરુધ્ધના સૂચનોનુ તેઓ પાલન કરતા નહોતા. આથી તેઓએ શહેરી વિકાસના મોટા અધિકારીઓને કાન ભંભેરણી કરીને એક સારા અધિકારીની વડોદરા બદલી કરાવી દીધી છે.
સાહેબ મિટિંગમાં છે:એક મહિનામાં જ CM બાદ અમિત શાહની અમરેલી મુલાકાતથી રાજકીય અટકળો તેજ, આનંદીબહેનના રાજીનામાની અફવા ફેલાવવા પાછળ કોનું ભેજું?
📅 Published: August 24, 2026 |
📂 Category: gujarati-news
