સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની SRK કંપનીને રૂપિયા 25 લાખની તોતિંગ ખંડણી માગવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
કંપનીના યંગ જનરેશનને જાનથી મારી નાખવાની ધમકી
મળેલી માહિતી પ્રમાણે અજાણ્યા શખ્સે કંપનીના યંગ જનરેશનને જાનથી મારી નાખવાની ધમકી આપીને મોટી રકમની માંગણી કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કંપનીના સિક્યોરિટી કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે વિજય દેસાઈ નામના આરોપીને ઝડપી લીધો
ફરિયાદના આધારે કતારગામ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને કોલ લોકેશનના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુધી પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે વિજય દેસાઈ નામના આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી અગાઉ કંપનીમાં કામ કરી ચૂક્યો હતો
પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી અગાઉ કંપનીમાં કામ કરી ચૂક્યો હતો. શેરબજારમાં થયેલા રૂપિયા 15થી 20 લાખના દેવાને ચૂકવવા માટે તેણે ખંડણીનો શોર્ટકટ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. કંપની સાથે અગાઉના સંબંધનો ઉપયોગ કરીને તેણે ધમકીભર્યો ખેલ રચ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ભિક્ષુકના નામે સિમકાર્ડ મેળવ્યું હોવાનું પણ સામે આવ્યું
આરોપીએ પોતાની ઓળખ છુપાવવા અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ભિક્ષુકના નામે સિમકાર્ડ મેળવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ખંડણી માટે ઉપયોગમાં લેવાયેલ મોબાઇલ અને સિમકાર્ડ નદીમાં ફેંકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, ટેકનિકલ તપાસ સામે આરોપીનો આ ખેલ લાંબો ટકી શક્યો નહીં અને પોલીસ તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળ રહી.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?
