સુરત PSI મિસફાયરિંગ કેસ, ભોગ બનનારનો મેડિકલ ખર્ચ પોલીસ ભોગવશે:ગોળી હાર્ટની નીચેથી આરપાર થતા નાના આંતરડાનો ક્ષતિગ્રસ્ત ભાગ સર્જરી કરી કાઢ્યો

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

સુરતમાં નાના વરાછા પોલીસ ચોકીમાં સર્વિસ રિવોલ્વર સાફ કરતી વખતે પીએસઆઈ મકવાણાના હાથે થયેલા મિસ ફાયરિંગમાં ગંભીર રીતે ઘવાયેલા 45 વર્ષીય લારીચાલક અરવિંદ પટેલની હાલત હવે સ્થિર છે. આ કેસમાં કાપોદ્રા પોલીસે માનવતા દાખવી ભોગ બનનાર લારીચાલકની સારવારનો તમામ હોસ્પિટલ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ બેદરકારી દાખવનાર પીએસઆઈ સામે ગુનો પણ દાખલ કર્યો છે. રાતોરાત સર્જરી કરી ક્ષતિગ્રસ્ત આંતરડું દૂર કરાયું
ઘટના બાદ તરત જ અરવિંદભાઈને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. ગોળી હાર્ટની નીચેથી પસાર થઈ પેટ વિંધીને નીકળી જતાં નાના આંતરડાને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. તબીબોએ રાત્રે 11:30થી 12:00 વાગ્યા દરમિયાન તાત્કાલિક જટિલ સર્જરી હાથ ધરી નાના આંતરડાનો ડેમેજ થયેલો ભાગ કાપીને સફળતાપૂર્વક અલગ કર્યો હતો. સદનસીબે ગોળીથી કિડની કે શરીરની મુખ્ય નસોને કોઈ નુકસાન પહોંચ્યું ન હોવાથી દર્દી ખતરાની બહાર છે. પોલીસ તમામ તબીબી ખર્ચ ભોગવશે
કાપોદ્રા પીઆઈ એમ. આર. સોલંકીએ જણાવ્યું કે, અરવિંદભાઈ પટેલની હોસ્પિટલનો તમામ તબીબી ખર્ચ કાપોદ્રા પોલીસ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત, ભવિષ્યમાં પણ તેમને સારવાર કે અન્ય કોઈ બાબતે સહાયની જરૂર પડશે તો પોલીસ વિભાગ પૂર્ણ સહયોગ આપશે. આ પણ વાંચો… પોલીસ-ચોકીમાં PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટી, 130 ફૂટ દૂર યુવક વીંધાયો
લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા
ઈજાગ્રસ્ત અરવિંદભાઈ પટેલ મૂળ કામરેજના વતની છે અને આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવે છે. તેઓ નાના વરાછા ઢાળ પાસે હોઝિયરીની લારી લગાવીને પત્ની સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પરિણીત દીકરી પણ રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે ટેકો આપી રહી છે. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો, પરંતુ પોલીસ દ્વારા સારવારની જવાબદારી સ્વીકારાતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *