Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા

📅 Published: August 24, 2026 | 📂 Category: Ahmedabad

હવામાન નિષ્ણાત અશોક દેસાઈએ ગુજરાતના ચોમાસાને લઈને ચિંતાજનક અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના મતે અલ નીનોની અસરને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ નબળી પડી શકે છે અને ચોમાસું ફિક્કું રહેવાની શક્યતા છે. ઓગસ્ટના અંતિમ દિવસોમાં વરસાદની ઘટ રહેવાની સાથે સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની અછત સર્જાઈ શકે છે.

અલ નીનોની અસર 70થી 75 ટકા સુધી વિપરીત દિશામાં જોવા મળી 

તેમના જણાવ્યા મુજબ ચોમાસા સાથે જોડાયેલા 17 પેરામીટરમાંથી મુખ્ય અલ નીનોની અસર 70થી 75 ટકા સુધી વિપરીત દિશામાં જોવા મળી રહી છે. જેના કારણે વરસાદ માટે જરૂરી અનુકૂળ સિસ્ટમ મજબૂત બની રહી નથી. રાજ્યમાં નાના-મોટા ઝાપટાં પડી શકે છે, પરંતુ વ્યાપક અને સારો વરસાદ થવાની શક્યતા ઓછી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

વરસાદની ઘટ આગામી સમયમાં 10 ટકાથી વધુ થઈ શકે

 તેમણે કહ્યું હતું કે હાલ ગુજરાતમાં વરસાદની અંદાજે 5 ટકા ઘટ નોંધાઈ રહી હોવાનું જણાવાયું છે, જે આગામી સમયમાં 10 ટકાથી વધુ થઈ શકે છે. સપ્ટેમ્બર સુધી અલ નીનોની અસર રહેવાની શક્યતા વચ્ચે સારા વરસાદની રાહ જોવાને બદલે પાણી બચાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જો વરસાદની સ્થિતિમાં મોટો સુધારો નહીં થાય તો કેટલાક વિસ્તારોમાં પાણીની અછતની ચિંતા ઊભી થઈ શકે છે.

કોઈ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય તો જ રાહત મળી શકે

તેમના મત પ્રમાણે કચ્છમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન 100થી 150 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો, પરંતુ આ વર્ષે અત્યાર સુધી માત્ર 45 ટકા વરસાદ નોંધાયો હોવાનું જણાવાયું છે. જોકે, સપ્ટેમ્બર બાદ કોઈ સાયક્લોનિક સિસ્ટમ અથવા ચક્રવાત સર્જાય તો વરસાદની ઘટમાં થોડી રાહત મળી શકે છે. હાલ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *