શ્રાવણના બીજા સોમવારે શિવમંદિરોમાં ભક્તોની ભીડ:હાથમતીના કાંઠે ઝરણેશ્વર મહાદેવ મંદિરે 40 હજાર બીલીપત્રોથી શિવજીનો શણગાર

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

શ્રાવણ માસના બીજા સોમવારે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ વિવિધ શિવમંદિરોમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી. ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક કરી કમળ અને બીલીપત્રો અર્પણ કરી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા પૌરાણિક ઝરણેશ્વર મહાદેવ મંદિર તેમજ સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. શ્રાવણના સોમવારે આખો દિવસ ભક્તો પરિવારજનો સાથે મંદિરોમાં જઈ શિવજીની પૂજા-અર્ચના કરતા જોવા મળ્યા હતા. ઝરણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન વિશેષ ધાર્મિક પરંપરા મુજબ દરરોજ સવારે 4 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી મંદિરના બ્રાહ્મણો દ્વારા ભગવાન શિવને આશરે 40 હજાર બીલીપત્રો અર્પણ કરવામાં આવે છે. સાંજના સમયે આ બીલીપત્રોથી શિવજીનો વિશેષ શણગાર કરવામાં આવે છે, જે દર્શન માટે આવતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. મંદિર પરિસરમાં ભક્તો દ્વારા માટીના શિવલિંગ બનાવી પાર્થેશ્વર પૂજા પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ, શ્રાવણના બીજા સોમવારે ભોલેશ્વર મહાદેવ મંદિરે તેરસનો હોમાત્મક યજ્ઞ તેમજ બ્રાહ્મણો દ્વારા યજમાનોની ગ્રહપૂજા સહિતની વિવિધ ધાર્મિક વિધિઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસના સોમવાર નિમિત્તે હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોના શિવમંદિરોમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *