પાટણના ચાચરીયા ચોક સ્થિત ઝુલેલાલ અને હિંગળાજ માતાજી મંદિરે સિંધી સમાજના 40 દિવસીય ચાલીયા મહોત્સવની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ. આ વર્ષે 100થી વધુ શ્રદ્ધાળુઓએ ચાલીયા સાહેબના કઠોર ઉપવાસ રાખ્યા હતા. મહોત્સવ દરમિયાન ભરૂચના પ્રાચીન ઝુલેલાલ મંદિરના 26મા વંશજ ઠાકુર સાઈ મનીષલાલની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત, છપ્પન ભોગ, છૈજ-રાસ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરોની નગરી પાટણના ચાચરીયા વિસ્તારમાં આવેલા ઝુલેલાલ મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા. 16.7.2026 થી શરૂ થયેલા 40 દિવસના ચાલીયા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસો દરમિયાન અખંડ જ્યોત સમક્ષ દરરોજ રાત્રે ઝુલેલાલ રાસ મંડળ દ્વારા ભજન સત્સંગનું આયોજન થતું હતું. લાલસાઈ ગ્રુપ, ઝુલેલાલ મહિલા ગ્રુપ અને પૂજ્ય સિંધી ઉત્તર પંચાયત જેવા વિવિધ સંગઠનો અને પરિવારો દ્વારા આરતી તથા પ્રસાદની સેવા આપવામાં આવી હતી. આ મહોત્સવના 37મા દિવસે, તા. 21.8.2026 શુક્રવારના રોજ, ભરૂચ સ્થિત પ્રાચીન ઝુલેલાલ મંદિરના ગાદેશ્વર અને 26મા વંશજ ઠાકુર સાઈ મનીષલાલનું પાટણ આગમન થયું હતું. નિજ મંદિરે પધારેલા ગાધીપતિનું ઝુલેલાલ રાસમંડળ અને સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરંપરાગત ભૈરાણા સાહેબ પૂજનનું આયોજન કરાયું હતું. જેમાં માટલીમાં મીઠા ભાત, ચણા અને ફળ-ફૂલનો ભોગ ધરાવી તેને પુષ્પો અને અત્તરથી સુશોભિત કરી દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશ્વ કલ્યાણ અને સમાજની સમૃદ્ધિ માટે સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી. સોમવારના રોજ ચાલીયા વ્રતની પૂર્ણાહુતિના દિવસે વાંહેગુરુ ગ્રુપ દ્વારા તમામ ભક્તો માટે ફરાળી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્ણાહુતિ બાદ ઝુલેલાલ રાસમંડળ દ્વારા ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓ સંગીતના તાલે ઝૂમી ઊઠ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંદિરના કારોબારી સભ્યો અને સેવાભાવી કાર્યકરોએ સેવા આપી હતી.
પાટણમાં સિંધી સમાજના ચાલીયા મહોત્સવની પૂર્ણાહુતિ:100થી વધુ શ્રદ્ધાળુએ ઉપવાસ રાખ્યા, ઠાકુર સાઈ મનીષલાલ ઉપસ્થિત
📅 Published: August 24, 2026 |
📂 Category: gujarati-news
