અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની ઘટનાએ ચકચાર મચાવી હતી. પ્રભાકર ચાર રસ્તા પાસે ચાલતા જતા એક વ્યક્તિના ગળામાંથી સોનાની ચેઈન તોડીને મોટરસાયકલ પર આવેલો શખ્સ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
જુગનુ ઉર્ફે જિગ્નેશ ધાશીની ધરપકડ
પોલીસ તપાસ દરમિયાન જુગનુ ઉર્ફે જિગ્નેશ ધાશીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ચેઈન સ્નેચિંગમાં લૂંટાયેલી સોનાની ચેઈન સહિતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસે કબજે કરેલી સોનાની ચેઈનનું વજન 9.360 ગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની કિંમત અંદાજે રૂપિયા 1.38 લાખ છે.
2.08 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો
ચેઈન સ્નેચિંગની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી યમાહા FZ મોટરસાયકલ પણ પોલીસે કબજે કરી છે. સોનાની ચેઈન અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 2.08 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જાહેરમાં ચેઈન તોડીને ફરાર થયેલા આરોપીને ઝડપવામાં કૃષ્ણનગર પોલીસને સફળતા મળી છે.
અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા
પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા જુગનુ ઉર્ફે જિગ્નેશ ધાશી સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અગાઉની અન્ય ચેઈન સ્નેચિંગ અથવા ગુનાહિત ઘટનાઓમાં તેની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા
