સરદાર પટેલ યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (SPSEC), SPU-SSIP-નવધારા અને ઇન્સ્ટિટ્યુશન્સ ઇનોવેશન કાઉન્સિલ (IIC)ના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ ઉદ્યમી દિવસ’ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝના ઓડિટોરિયમ ખાતે “સામાજિક ઉદ્યમિતા સંવાદ” (Understanding Enabling Social Entrepreneurship) વિષય પર ઇન્ટરેક્ટિવ સેશન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને સુરત સ્થિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પૂર્વ પ્રોવોસ્ટ પ્રો. હરીશ પાઢ મુખ્ય વક્તા તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા પ્રો. હરીશ પાઢે પોતાના વક્તવ્યમાં સામાજિક ઉદ્યમિતાનું મહત્વ, તેની પ્રાસંગિકતા અને સમાજઉપયોગી સાહસો વિકસાવવા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા અને સંશોધનો માત્ર નફાકેન્દ્રી ન રહેતાં સામાજિક સમસ્યાઓના ઉકેલ તરફ કેન્દ્રિત થાય તે સમયની જરૂરિયાત છે. આ ઉપરાંત, તેમણે વિવિધ વિદ્યાશાખાઓ વચ્ચે પરસ્પર સહયોગ (Cross-departmental collaboration) સાધીને વિદ્યાર્થીઓને સામાજિક ઉદ્યમિતા તરફ પ્રોત્સાહિત કરવા માટે સંસ્થાકીય ભૂમિકા અને માર્ગદર્શનના મહત્વને સમજાવ્યું હતું. કુલપતિ પ્રો. નિરંજન પટેલે પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીના વિવિધ વિભાગો વિદ્યાર્થીઓમાં સામાજિક ઉત્તરદાયિત્વ સાથેના સ્ટાર્ટઅપ અને નવીન સાહસોને પ્રોત્સાહન આપવા માટે સદા તત્પર છે. આ સંવાદ સત્રમાં યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક વિભાગોના વડાઓ, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થી-કેન્દ્રી સામાજિક સાહસોના નિર્માણ અંગે વિચાર-વિમર્શ કર્યો હતો.
સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિશ્વ ઉદ્યમી દિવસની ઉજવણી:સામાજિક ઉદ્યમિતા સંવાદ યોજાયો, પ્રો. હરીશ પાઢે માર્ગદર્શન આપ્યું
📅 Published: August 24, 2026 |
📂 Category: gujarati-news
