કેક કાપી, ફટાકડા ફોડી ભ્રષ્ટાચારનો વિરોધ:ભરૂચ FDCAના આસિસ્ટન્ટ કમિશનર-ડ્રગ ઇન્સ્પેક્ટર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા; ફાર્માસિસ્ટ એસોસિએશને સૂત્રોચ્ચાર કર્યા

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

ભરૂચ FDCAના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોશનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈને હોલસેલ દવાના લાયસન્સ ઇશ્યૂ કરવા બદલ ₹40,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ ઘટનાને પગલે રાજ્યભરના ફાર્માસિસ્ટોમાં ભારે ચર્ચા જાગી છે. ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને આ લાંચકાંડના વિરોધમાં ભરૂચ સ્થિત FDCA કચેરી ખાતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. એસોસિએશનના સભ્યોએ ફટાકડા ફોડી અને ‘FDCA ભ્રષ્ટાચાર બંધ કરો’ લખેલી કેક કાપીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીયે FDCA વિભાગની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પર ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે. ભારતીયે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, આવા સ્ટોર્સમાં ડિસ્કાઉન્ટના નામે નકલી દવાઓ, ગર્ભપાતની ગોળીઓ અને નશા માટે વપરાતી દવાઓનું ગેરકાયદે વેચાણ થાય છે. તેમણે દાવો કર્યો કે, આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે કેટલાક મેડિકલ સ્ટોર સંચાલકો પાસેથી વાર્ષિક ‘સાલિયાણું’ વસૂલવામાં આવે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, નવા મેડિકલ સ્ટોરના લાયસન્સ અથવા રીન્યુઅલ માટે ₹25,000 થી ₹50,000 સુધીની લાંચ માંગવામાં આવે છે. પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી કફ સિરપ સામેની તપાસ ડ્રાઈવ દરમિયાન પણ કેટલાક અધિકારીઓ દ્વારા ‘તોડબાજી’ થતી હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા. એસોસિએશને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર રતનકંવર ચરણગઢવી સમક્ષ માંગ કરી છે કે, ભાડાના લાયસન્સ પર ગેરકાયદેસર રીતે ચાલતા મેડિકલ સ્ટોર્સ સામે માત્ર થોડા દિવસની સીલ જેવી હળવી કાર્યવાહી કરવાને બદલે તેમના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવે. સાથે જ, ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલા અધિકારીઓ સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *