સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના અનુસ્નાતક શિક્ષણ શાસ્ત્ર વિભાગ દ્વારા 22 ઓગસ્ટના રોજ M.Ed. સેમેસ્ટર–૧ અને ૩ના પ્રશિક્ષણાર્થીઓ માટે એન્ટી-રેગિંગ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રેગિંગ અંગે જાગૃતિ કેળવી વિદ્યાર્થીઓમાં પરસ્પર સન્માન, સહકાર અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ વિકસાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રો. (ડૉ.) અલકા મેકવાનના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે રેગિંગના નકારાત્મક પ્રભાવ પર ભાર મૂકતા જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થામાં સંબંધો ભય કે દબાણ પર નહીં, પરંતુ સન્માન, વિશ્વાસ અને સહકાર પર આધારિત હોવા જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને “Say No to Ragging – Yes to Respect” ના સંદેશને દૈનિક વર્તનમાં અપનાવવા અપીલ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને એન્ટી-રેગિંગ દસ્તાવેજી ચલચિત્ર દર્શાવવામાં આવ્યું હતું. આ ડોક્યુમેન્ટરી દ્વારા રેગિંગના વિવિધ સ્વરૂપો, તેના ગંભીર પરિણામો અને વિદ્યાર્થીઓના ગૌરવ તથા માનસિક સુખાકારી પર થતી તેની અસર અંગે અસરકારક રીતે જાગૃતિ લાવવામાં આવી હતી. કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા માટે વિવિધ ગેમ્સ અને આંતરક્રિયાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમેસ્ટર ૩ના પ્રશિક્ષણાર્થીઓ દ્વારા આયોજિત આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓ વચ્ચે પરિચય, સંવાદ, સહકાર અને ટીમ સ્પિરિટ વિકસાવવાનો પ્રયાસ થયો. નમ્રતા ક્રિશ્ચિયન દ્વારા રેગિંગ વિરોધી સંદેશને સર્જનાત્મક રીતે રજૂ કરતું પોસ્ટર પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું, જેને વિદ્યાર્થીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રેગિંગમુક્ત, સુરક્ષિત તથા સન્માનપૂર્ણ કેમ્પસ સંસ્કૃતિના નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. કાર્યક્રમના અંતે ડૉ. રુતા પરમાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમણે વિભાગના વડા, અધ્યાપકો અને તમામ પ્રશિક્ષણાર્થીઓનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર માન્યો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં પારસ્પરિક સન્માન, સહકાર અને પરિપક્વ સહજીવનના મૂલ્યોને મજબૂત કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો.
SPU માં એન્ટી-રેગિંગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓમાં સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ વિકસાવવાનો ઉદ્દેશ્ય
📅 Published: August 24, 2026 |
📂 Category: gujarati-news
