Nagalandથી બિહાર હથિયારોની તસ્કરીનું કાવતરું, NIAએ વધુ એક આરોપીની કરી ધરપકડ

📅 Published: August 24, 2026 | 📂 Category: India National

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બિહાર STF સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી AK-47 રાઈફલ અને જીવંત કારતૂસની જપ્તી સાથે જોડાયેલા કેસમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડ કરી છે. NIA દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આરોપીનું નામ કરમુલ્લાહ છે અને તે લાંબા સમયથી તપાસ એજન્સીની પકડથી દૂર હતો.

આધુનિક હથિયારોની ગેરકાયદેસર હેરાફેરીનું કાવતરું ઘડ્યું

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, કરમુલ્લાહે અન્ય સહઆરોપીઓ સાથે મળીને નાગાલેન્ડથી બિહારમાં પ્રતિબંધિત બોરના આધુનિક હથિયારોની ગેરકાયદેસર હેરાફેરીનું કાવતરું ઘડ્યું હતું. આ હથિયારોનો ઉપયોગ જાહેર શાંતિ અને સુરક્ષાને ખોરવવા તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઊભો કરવાના હેતુથી થવાનો આરોપ છે.

NIA અને બિહાર STFએ આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું 

આ કેસમાં અગાઉની તપાસ દરમિયાન AK-47 રાઈફલ અને જીવંત દારૂગોળો મળી આવ્યા હતા. ત્યારબાદ NIAએ હથિયારોની સપ્લાય ચેઈન અને તેમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટે તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન કરમુલ્લાહનું નામ પણ સામે આવ્યું હતું. જોકે, તે તપાસથી બચવા માટે ફરાર હતો. NIA અને બિહાર STFએ સંયુક્ત રીતે માહિતી એકત્રિત કરીને આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું અને ત્યારબાદ તેને ઝડપી પાડ્યો હતો. તેની ધરપકડ બાદ હવે એજન્સી તેની પૂછપરછ કરીને હથિયારોની તસ્કરીના સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.

તપાસ એજન્સીઓ ખાસ કરીને નાગાલેન્ડથી બિહાર સુધી હથિયારો પહોંચાડવામાં કયા લોકો અને નેટવર્કની ભૂમિકા હતી, તેમજ અન્ય સહઆરોપીઓ સાથે કરમુલ્લાહના કથિત સંબંધો અંગે તપાસ કરી રહી છે. NIAએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા આવા કેસોમાં ફરાર આરોપીઓને કાયદાની પહોંચમાં લાવવા માટે કાર્યવાહી સતત ચાલુ રહેશે.

આ પણ વાંચો : Chinaના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત આવી શકે, BRICS સમિટમાં લેશે ભાગ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *