જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, નોરતાં, દશેરા ને દિવાળી.. લાગલગાટ તહેવારો આવી રહ્યા છે. મીઠાઈ પ્રસાદની ડિમાન્ડ વધશે. અત્યારે તો સ્ટોક છે છતાં ખાંડના ભાવ વધ્યા છે. સરકાર તહેવારો સાચવી લેશે પણ પછી શું? શેરડી ઓછી ઉતરશે તો શું થશે? ખાંડના ભાવ વધશે કે ઘટશે? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં… સવાલ-1 : ગુજરાતમાં ખાંડની સ્થિતિ શું છે? જવાબ : ગુજરાતમાં ખાંડની સ્થિતિ એવી છે કે છેલ્લા બે મહિનામાં એક કિલોએ 20થી 25 રૂપિયા વધ્યા છે. 40થી 45 રૂપિયે કિલો મળતી ખાંડ હવે 65થી 75 રૂપિયે કિલો મળે છે. અલગ અલગ શહેરોમાં અલગ અલગ ભાવ. આપણા રાજ્યમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં ખાંડ બને છે. બાકી આપણે બીજા રાજ્યો પર નિર્ભર છીએ. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યોમાંથી ખાંડ આવે છે. ખાંડના હોલસેલ વેપારી ઉપેનભાઈ કોટેચા કહે છે, ખાંડ છે જ. જોઈએ તેટલી મળશે. ચિંતા કરવા જેવું નથી. ભાવ વધ્યા તેના બે કારણો છે. એક, શેરડીનું ઉત્પાદન ઓછું થયું એટલે ખાંડનું પ્રોડક્શન ઓછું થયું. બીજું, શેરડીનો મોટો જથ્થો ઈથેનોલમાં વપરાઈ ગયો. ખાંડનો જથ્થો અખૂટ છે એવું પણ નથી ને સાવ અછત નથી. ઉપેનભાઈ કહે છે, ખાંડ ત્રણ પ્રકારની આવે. સ્મોલ, મીડિયમ અને લાર્જ. જેવા દાણાં. હોલસેલમાં જીણી ખાંડ 6800 થી લઈને 6900 અને મીડિયમ દાણાંનો ભાવ 6900થી લઈને 7000 છે. આ ભાવ એક ક્વિન્ટલ એટલે 100 કિલોનો છે. રિટેલ વેપારીઓ માર્જિન રાખીને ખાંડ વેચે. એટલે જીણી ખાંડનો એક કિલોનો હોલસેલ ભાવ 68 રૂપિયા હોય તો રિટેલમાં 73 રૂપિયે મળે. મીડિયમ ખાંડનો હોલસેલમાં 70 રૂપિયા ભાવ હોય તો 75થી 76 રૂપિયે મળે અને જાડા દાણાં 78થી 80 રૂપિયે કિલો મળે. ખાંડના ભાવ વધ્યા છે તેની પાછળનું સૌથી મોટું કારણ છે શેરડીની ઓછી ખેતી. સવાલ-2 : શું ખરેખર શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે? જવાબ : નવસારી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળના સિનિયર ડિરેક્ટર રણજીતભાઈ પટેલ કહે છે, સાઉથ ગુજરાતના અંતરિયાળ ગામડાંમાં જે રીતે ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે તેના કારણે શેરડીનું પ્લાન્ટેશન ઓછું થયું છે. ગણદેવીની વાત કરું તો અમે 10 હજારથી 12 હજાર ટન શેરડીનું ક્રશીંગ કરતા હતા. એ 7 હજાર ટન પર આવી ગયા. મારી એકલાની વાત નથી, ગયા વર્ષથી દરેક સુગર ફેક્ટરીની આ હાલત થઈ છે. જે રીતે ઈન્ડસ્ટ્રીલાઈઝેશન થયું, તે જોતાં લેબરના ભાવ વધી ગયા. પૈસા આપતાં ય લેબર મળતા નથી એટલે ખેડૂત હતાશ થઈ ગયા. ખેડૂતો શેરડીના બદલે આંબા, ચીકુ, મરચાં વાવવા તરફ વળવા લાગ્યા. શેરડીના પાકમાં ખેડૂતોને ફાયદો થતો હતો તે ઓછો થવા લાગ્યો. જમીનની ફળદ્રુપતા પણ ઓછી થઈ. ઈન્ડસ્ટ્રીનું પ્રદૂષણ વધ્યું, રાત્રે ધુમાડામાંથી કાર્બન નીકળે તે હવામાં ન ભળે ને જમીન પર પ્લાન્ટના પાંદડા પર પડે. પાંદડું શ્વાસ જ ન લઈ શકે તો ફ્રૂટ કેવી રીતે બને? તેના કારણે પણ પ્રોડક્શનમાં ઘટ આવી. પેસ્ટીસાઈટ્સ પણ મોટો ભાગ ભજવે છે. આપણે ત્યાં પેસ્ટીસાઈટ્સની કોઈ મર્યાદા નથી. 1954માં ઉકાઈ ડેમ બન્યો હતો જ એટલા માટે કે ખેતીની જમીનને લાભ મળી શકે. શેરડીને પૂરતું પાણી મળી રહે. આજે ઉકાઈ ડેમના પાણીનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીમાં થવા લાગ્યો. આ વખતે દક્ષિણ ગુજરાતની નવ નદીમાં ભારે પૂર આવ્યું હતું. તેમાં ગણદેવી સુગર ફેક્ટરીની 1001 એકરમાં ઉગેલી શેરડી ધોવાઈ ગઈ. હવે આ પાક ક્યારે ઉગશે, ઉગશે કે નહીં ને ઉગશે તો આવતા વર્ષે ફરી આવી હાલત થશે તો? સમસ્યા ઘણી છે. શેરડીનો પાક જ્યાં વધારે થાય ત્યાં સુગર મીલ હોય. કારણ કે શેરડી લીલી હોય ત્યારે જ ઉતારીને સુગર મીલ પર પહોંચાડવી પડે. સુકાઈ જાય તો ખાંડ નીકળવી જોઈએ એટલી નીકળે નહીં. દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાક સારો થાય છે એટલે ત્યાં 15-20 સુગર મીલ છે. સૌરાષ્ટ્રમાં એક સમયે શેરડી સારી થતી પણ હવે ખેડૂતો શેરડી વાવતા નથી. સૌરાષ્ટ્રમાં કોડીનારમાં એક સુગર ફેક્ટરી છે બાકી બધી બંધ થઈ ગઈ. સૌથી વધારે શેરડી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ઉગે છે. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સુગરકેનના રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. શૈલેષ માલી કહે છે કે, શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે. વાવણીનો એરિયા પણ ઘટ્યો એટલે શેરડીની સપ્લાયમાં શોર્ટેજ છે. ગયા વર્ષની જ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં બહુ વરસાદ પડ્યો. ત્રણ-ચાર મહિના તો તડકો મળ્યો જ નહીં. શેરડી વિષુવવૃતનો પાક એટલે તેને પ્રકાશ જોઈએ માટે શેરડી જોઈએ એટલી થઈ નહીં. બીજી સમસ્યા એ છે કે શેરડીના ખેડૂતો હવે બીજા પાક તરફ વળ્યા છે. કન્સ્ટ્રક્શનમાં કે ડેવલોપમેન્ટમાં ખેતીની જગ્યા જાય, તે પણ એક કારણ છે. શેરડીના ઉત્પાદનમાં આપણે અત્યાર સુધી સરપ્લસ હતા પણ હવે એરિયા અને શેરડીની વાવણી ઘટતાં જાય છે. ગુજરાતમાં 5 હજાર હેક્ટર જેવું શેરડીનું વાવેતર ઘટી ગયું છે. એવરેજ એક હેક્ટરમાં વાવેલી શેરડીમાંથી 70 ટન ખાંડ બની શકે. તો 5 હજાર હેક્ટરમાં વાવેલી શેરડીમાંથી 3 લાખ 50 હજાર ટન ખાંડ બની શકત. ઉત્તર પ્રદેશમાં સીઓ-0238 પ્રકારની શેરડીનો પાક સૌથી વધારે થાય છે. આ શેરડીમાંથી સૌથી વધારે સુગર બની શકે. આ વખતે યુપીમાં પાક સારો થયો છે પણ કઠણાઈ એ છે કે તેમાં લાલ રોગ થઈ ગયો છે. તેને ‘રેડ રોટ’ રોગ કહેવાય. સાદી ભાષામાં રાતડો બીમારી કહેવાય. શેરડી કાપો તો અંદરથી લાલ કલર નીકળે. ટૂંકમાં, શેરડીના પાકમાં ચારેય બાજુથી માર પડ્યો છે. સૌથી મોટો માર પડ્યો છે ઈથેનોલના કારણે. કારણ કે ઈથેનોલ બનાવવા શેરડીની જરૂર પડે છે. ઈથેનોલને પેટ્રોલમાં મિક્સ કરીને અપાય છે. સવાલ-3 : શું ઈથેનોલના કારણે ખાંડના ભાવ વધ્યા? જવાબ : હા. દેશમાં જેટલી શેરડી ઉગી હતી તેમાંથી 25થી 30 લાખ ટન ખાંડ બની શકે એટલી શેરડી ઈથેનોલ બનાવવામાં વપરાઈ ગઈ. એક તો શેરડી જ ઓછી હતી. તેમાં ય સરકારે ઈથેનોલમાં વાપરી નાખી એટલે સુગર મીલમાં જેટલી શેરડી પહોંચવી જોઈએ એટલી પહોંચી નહીં. શેરડી પહોંચી નહીં એટલે ખાંડ બની શકી નહીં. અછતનો માહોલ ઊભો થયો. ઈથેનોલના કારણે ખાંડના ભાવ વધ્યા એવું ન કહી શકાય પણ ભાવને અસર તો થઈ જ. અત્યારે અછતનો માહોલ છે પણ આવનારા સમયમાં ખરેખર અછત ઊભી થશે, એ વાતને નકારી શકાય તેમ નથી. હવે જાણી લો કે ઈથેનોલ છે શું ને તે પેટ્રોલમાં કેમ ભેળવાય છે ઈથેનોલનું ગણિત સમજાવતાં નવસારી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળના સિનિયર ડિરેક્ટર રણજીતભાઈ પટેલ કહે છે, શેરડીના એક સાંઠામાં 14% ખાંડ હોય. તેમાંથી અમે 12% ખાંડ કાઢી શકીએ. તેમાંથી 1% ખાંડ બગાડમાં જાય. બાકી રહ્યું તે મોલાસીસ (રાબડાંમાં) જશે. મોલાસીસને એબસ્ટ્રેક્ટ કરવો જ પડે. એટલે રાબડાંને તારવવો પડે. મોલાસીસમાં એટલે કે રાબડાંમાં બે પ્રકારની પ્રોસેસ થાય. બી-હેવી અને સી-હેવી. બી-હેવી પ્રોસેસ કરીએ તો 1.5% ખાંડ જાય. સી-હેવી પ્રોસેસ કરીએ તો તેમાંથી રેક્ટિફાઈડ સ્પ્રીટ બની શકે. રેક્ટિફાઈડ સ્પ્રીટ એટલે એવું પ્રવાહી જેમાં 95% આલ્કોહોલ હોય અને 5% ટકા પાણી હોય. તેમાંથી 4% પાણી કાઢી નાખીએ એટલે ઈથેનોલ બની જાય. એ ઈથેનોલને બળતણમાં ઉપયોગમાં લેવાય. હવે તો તેને પેટ્રોલમાં પણ મિક્સ કરાય છે. એવું કહેવાય છે કે ઈથેનોલથી વાહનના એન્જિન બગડે છે પણ એન્જિન બગડતા નથી. બ્રાઝીલમાં તો વર્ષોથી પેટ્રોલમાં ઈથેનોલ વપરાય છે. ત્યાં કોઈ વાહનો બગડ્યાં નથી. આપણે તો હવે વાપરતા થયાં. ઈથેનોલને પેટ્રોલમાં મિક્સ કરવું હોય તો રિફાઈનરીમાં જ થઈ શકે. પેટ્રોલપંપની ટાંકીમાં પેટ્રોલ ભર્યું હોય ને તેમાં ઈથેનોલ નાખી દેશો તો તે મિક્સ નહીં થાય. નીચે બેસી જશે. ખાંડના હોલસેલ વેપારી ઉપેનભાઈ કોટેચા અને શેરડીના રિસર્ચ સાયન્ટિસ્ટ શૈલેષભાઈ માલી કહે છે કે, ઈથેનોલ બનાવવામાં શેરડીનો વધારે ઉપયોગ થઈ ગયો એટલે શેરડીની અછત થઈ. એની પાછળ-પાછળ ખાંડની અછત થઈ. ભારતના ચીફ ઈકોનોમિક એડવાઈઝર વી. અનંત નાગેશ્વરન 17 ઓગસ્ટે ઈ-20 ઈથેનોલ પ્રોડક્શન રોકવા પર ભાર આપી ચૂકયા છે. ખાંડના ભાવ વધ્યા છે એ સાચું પણ હવે જોવાનું એ છે કે આવનારા સમયમાં ખાંડના ભાવ કેવા રહેશે. સવાલ-4 : આવનારા સમયમાં ખાંડના ભાવ વધશે કે ઘટશે? જવાબ : આમાં જો અને તો જેવી વાત નથી. ચિત્ર દીવા જેવું સ્પષ્ટ છે. છેલ્લા કેટલાક સમયથી શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે. આવનારા સમયમાં પણ ઘટવાનું છે. ખાંડના ભાવ હજુ પણ વધવાના છે. શેરડીનો નવો પાક દિવાળી પછી ઉતરે. દિવાળી પછી આવતા વર્ષની શેરડીનો પાક અને તેના આધારે ખાંડનું પિક્ચર ક્લિયર થાય. દિવાળી પછી શેરડીનો પાક ઓછો થાય તેવું દેખાય છે. એટલે શેરડીની સાચી અછત તો હવે શરૂ થશે. તેના કારણે દિવાળી પછી ભાવ વધારાની અસર દેખાશે. સરકાર ભલે આંખ આડા કાન કરે, લોકોએ કમર કસી લેવી પડશે. જો શેરડીના પાકની હાલત આવી જ રહેશે તો ખાંડનો ભાવ કિલોના 100થી 150એ પહોંચતાં વાર નહીં લાગે. અને એવું થવાની પૂરી સંભાવના પણ છે. ભાવ વધારા પાછળ શેરડીનું ઓછું પ્રોડક્શન જ જવાબદાર નથી, કેટલાક ફેક્ટર પણ જવાબદાર છે. ખાંડના ભાવ વધવા પાછળ આ 6 કારણો છે ખાંડના હોલસેલર ઉપેનભાઈ કોટેચા કહે છે, ખાંડનો સ્ટોક છે પણ ભાવ વધી શકે છે, ભાવ ઘટે તેવી શક્યતા તો નથી જ. શેરડીનો પાક દિવાળીએ આવે. પાક કેવો આવ્યો છે, તેના પર બધો આધાર છે. કારણ કે પાણી ઓછું મળ્યું હોય તો તેમાંથી વધારે ખાંડ બને નહીં. નવેમ્બર, ડિસેમ્બરમાં પ્રોડક્શનનો સાચો અંદાજ આવશે. પણ અત્યારે શેરડીના પાકનો જે અંદાજો લગાવાયો છે તે જોતાં આવતા વર્ષે ખાંડના ભાવ વધશે. રણજીતભાઈ પટેલ કહે છે, 30% થી 32% ખાંડ લોકો ડોમેસ્ટિક વપરાશમાં લે છે. ચા-કોફી બનાવામાં ઘરે વાપરે છે. એક પરિવાર વર્ષે 22 કિલો ખાંડ વાપરે છે. 22 કિલો પર 25 રૂપિયા વધી જાય તો આખા વર્ષનું બજેટ 600 રૂપિયા વધે. બે માણસ માટે 22 કિલો એટલે 11 કિલો પરહેડ કન્ઝપ્શન છે. અત્યારની જ વાત કરું તો સુગર ફેક્ટરીમાંથી એક કિલોના ભાવ 66 રૂપિયે વેચાય છે. એટલે બજારમાં તેનો ભાવ 75થી 80 રૂપિયા થઈ જાય. રણજીતભાઈ એક દાખલો આપતાં કહે છે, આજથી પાંચ વર્ષ પહેલાં અમે સલ્ફોનેટેડ સુગર બનાવવા 13 હજાર રૂપિયાનું એક ટન સલ્ફર વાપરતા. ગયા વર્ષે અમારે 43 હજારથી 52 હજાર એક ટનનો ભાવ આપવો પડ્યો. આ વર્ષે તેનો ભાવ 1 લાખ ને 13 હજાર રૂપિયા છે. આખા વર્ષ દરમિયાન મારો સલ્ફરનો વપરાશ 56 લાખ રૂપિયાનો હતો તે આ વર્ષે વધીને પાંચ કરોડ થવાનો છે. માત્ર સલ્ફરની જ વાત કરું છું. હવે બધાને સસ્તી ખાંડ ખાવી છે, તો શું કરવાનું. રણજીતભાઈની વાત પરથી એવું લાગે છે કે સલ્ફરનો ભાવ સોનાની જેમ કૂદકે ને ભૂસકે વધે છે. તેઆગળ કહે છે, સમજ્યા કે સલ્ફર ને બધું મોઘું પડે છે. હવે નવી પ્રોસેસ આવી છે કે તમે સુગર અલગ રીતે બનાવી શકો. સલ્ફર વાપર્યા વગર પ્યુરીફાઈડ સુગર વાપરી શકો. સુગર પ્રોસેસ કરવા જે નવી ટેકનોલોજી આવી છે, તે એડોપ્ટ કરવા સુગર ફેક્ટરીઓ પાસે પૈસા ક્યાં? ખાંડનું ચિત્ર બગડ્યું છે. આવનારા વર્ષોમાં વધારે બગડશે. આ બધા વચ્ચે સરકારે બેલેન્સ કરીને ચાલવું પડે તેવું છે. સવાલ-5 : – તો સરકાર પાસે હવે ક્યા ઓપ્શન છે? જવાબ : ખાંડને લઈને સરકાર માટે કડવો સમય ચાલી રહ્યો છે. કારણ કે દુનિયામાં સૌથી વધારે ખાંડ ઉત્પાદન કરતો દેશ બ્રાઝીલ છે ને બીજા નંબરે છે ભારત. આવનારા બે મહિના તહેવારોના છે. તહેવારોમાં ખાંડની ડિમાન્ડ વધવાની. સરકારે તહેવારોમાં સ્થિતિ સાચવી લેવા બે રસ્તા કાઢ્યા છે. તહેવારો તો જેમતેમ સચવાઈ ગયા. પછી શું? મહારાષ્ટ્ર ને કર્ણાટકમાં શેરડીને રસદાર બનાવી શકે તેવો વરસાદ જ ન પડ્યો તો શું થશે. સરકારની આકરી કસોટી તો તહેવારો પછી, ખાસ કરીને દિવાળી પછી થવાની છે. સરકાર અત્યારે તો ખાંડનું રો મટીરીયલ મગાવે છે પણ બ્રાઝીલ જેવા દેશમાંથી સીધી ખાંડની આયાત કરવાનું વિચારે તો પણ ચેલેન્જ ઘણી છે. કારણ કે બ્રાઝીલથી શિપમાં ખાંડ ભારત આવે તો બે મહિના લાગે. સરકાર પાસે ખાંડની અછત ઓછી કરવાના ત્રણ રસ્તા છે ગુજરાતમાં ખાંડની સ્થિતિ સારી નથી. ચા-કોફીની ચૂસકી વધારે મોંઘી થવાની છે. આ બધા વચ્ચે રાજકોટના સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ એવું નિવેદન આપ્યું હતું કે, દેશમાં કોઈ તકલીફ જ નથી. આને શેરડીના ઉત્પાદન સાથે જોડવું ન જોઈએ. વિદેશમાં અસ્થિરતા ચાલી રહી છે તેના કારણે ખાંડના ભાવ વધ્યા છે. નેતા અલગ વિચારે છે, જનતા અલગ વિચારે છે, વેપારી અલગ વિચારે છે… જૈસી જીસકી સોચ…
ખાંડ ખો કાઢશે:સરકાર તહેવારો સાચવી લેશે, દિવાળી પછી રોકેટની જેમ ભાવ ભાગશે; ખાંડને સફેદ રંગે રંગતા સલ્ફરે બાજી બગાડી, કિંમત સોના જેટલી
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
