અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન પાસે વાહનવ્યવહારના નિયમોના લીરા ઉડાવીને રીક્ષા ચાલકે દાદાગીરી આચરી હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં એક રીક્ષા ચાલકે પુરઝડપે વાહન હંકારી મૂકતાં ત્યાં ફરજ પર તૈનાત TRB જવાને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રીક્ષા TRB જવાનના હાથ સાથે અથડાતાં રીક્ષાનો કાચ તૂટી ગયો હતો. જેથી ઉશ્કેરાયેલા રીક્ષા ચાલક જીગર સોલંકીએ ‘મને હાથ કેમ કર્યો’ કહીને બોલાચાલી કરી રીક્ષા રોડ પર જ ઊભી રાખી TRB જવાનને ઢોર માર માર્યો હતો.
વચ્ચે પડેલા પોલીસકર્મીને ધક્કો મારી નીચે પાડ્યા
આ ઝપાઝપી અને મામલો વણસતો જોઈને ત્યાં ફરજ પર હાજર પોલીસકર્મી મનોજભાઈ ત્વરિત વચ્ચે પડ્યા હતા. પરંતુ આક્રમક બનેલા રીક્ષા ચાલકે પોલીસકર્મી સાથે પણ ઝઘડો કરીને તેમને જોરદાર ધક્કો માર્યો હતો, જેના કારણે પોલીસકર્મી મનોજભાઈ નીચે પટકાઈ પડ્યા હતા. આ બનાવ બનતાં જ આસપાસથી અન્ય પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને તેમણે ત્વરિત વચ્ચે પડીને હુમલાખોર રીક્ષા ચાલકની સ્થળ પર જ અટકાયત કરી લીધી હતી.
પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી
પોલીસ ટીમે રીક્ષા ચાલકને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ જઈ કડક પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પકડાયેલા આરોપીની ઓળખ જીગર સોલંકી તરીકે થઈ છે, જે અમદાવાદના બહેરામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઈ-ટ્રાફિક પોલીસે સરકારી ફરજમાં અડચણ ઊભી કરવા તેમજ મારપીટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની સત્તાવાર ધરપકડ કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
