Rajkot : લિવ-ઇનમાં રહેતા આધેડનું 12મા માળેથી પડતાં મોત, પરિવારજનોએ વ્યક્ત કરી શંકા

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના ગંગોત્રી પાર્ક મેઇન રોડ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રાત્રીના સમયે કરુણ ઘટના સામે આવી છે. પામ યુનિવર્સ નામના ફ્લેટમાં રહેતા એક આધેડ વ્યક્તિનું 12મા માળેથી નીચે પડતાં મોત થયું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

લિવ-ઇન સંબંધમાં રહેતા હોવાની માહિતી 

મૃતકની ઓળખ નિમેશભાઈ ભંડેરી તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. તેઓ લિવ-ઇન સંબંધમાં રહેતા હોવાનું પણ પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. રાત્રીના સમયે તેઓ 12મા માળેથી નીચે પડ્યા હતા, જેના કારણે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું.

પરિવારજનોએ તેમના મૃત્યુને શંકાસ્પદ ગણાવ્યું

ઘટના બાદ નિમેશભાઈ ભંડેરીના પરિવારજનોએ તેમના મૃત્યુને શંકાસ્પદ ગણાવ્યું છે. પરિવારજનોએ આ ઘટનામાં હત્યા થઈ છે કે પછી આત્મહત્યા છે તે અંગે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. પરિવારજનોની શંકાને પગલે સમગ્ર ઘટનાએ વધુ ગંભીર વળાંક લીધો છે.

પોલીસે શરુ કરી તપાસ 

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા ઘટના કયા સંજોગોમાં બની તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આધેડ વ્યક્તિ અકસ્માતે નીચે પડ્યા હતા, આત્મહત્યા કરી હતી કે પછી અન્ય કોઈ કારણસર તેમનું મૃત્યુ થયું તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે.  

આ પણ વાંચો  :    Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *