Suratમાં આરોગ્ય વિભાગ દ્વારા 711 શૈક્ષણિક સંસ્થાઓમાં સઘન તપાસ, મચ્છરોના બ્રીડિંગ મળતાં કડક કાર્યવાહી

📅 Published: August 25, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં વાહકજન્ય અને મોસમી રોગચાળાને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તારીખ 21થી 24 ઓગસ્ટ દરમિયાન શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં મચ્છરોના બ્રીડિંગ અંગે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ચાર દિવસીય ઝુંબેશ દરમિયાન મનપાની ટીમે કુલ 711 જેટલી શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના પરિસરની સ્થળ પર જઈ ચકાસણી કરી હતી.

109 સ્થળોએ મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા 

આશ્ચર્યજનક રીતે, સઘન તપાસ દરમિયાન 711 પૈકી 109 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાંથી મચ્છરોના ઉત્પત્તિ સ્થાન એટલે કે બ્રીડિંગ મળી આવ્યા હતા. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં થાય તેવી આ ગંભીર બેદરકારી સામે મનપાએ લાલ આંખ કરી હતી. જળસંચયની ટાંકીઓ, કુંડાઓ અને પરિસરમાં ભરાયેલા પાણીમાં ડેન્ગ્યુ અને મેલેરિયા ફેલાવતા મચ્છરોના પોરા મળી આવતાં આરોગ્ય વિભાગે સ્થળ પર જ જંતુનાશક કામગીરી હાથ ધરી હતી.

દંડ અને નોટિસ ફટકારી કડક કાર્યવાહી 

આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમજ પરિસરમાં ગંદકી અને પાણી ભરાયેલું રાખવા બદલ કસૂરવાર સંસ્થાઓને કુલ ૫૯ નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, બેદરકારી દાખવનાર વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી સ્થળ પર જ કુલ રૂ.59,000નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મનપા તંત્રે તમામ સંચાલકોને પરિસર સ્વચ્છ રાખવા અને પાણી જમા ન થવા દેવા અંગે કડક સૂચના આપી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *