નવસારી શહેરમાં જુલાઈ માસમાં આવેલા ભારે પૂર બાદ શહેરને ધબક્તું કરનારા આઉટસોર્સિંગ કર્મચારીઓ છેલ્લા 2 થી 3 મહિનાથી પગાર ન મળતા ભારે આર્થિક સંકડામણમાં મુકાયા છે. રક્ષાબંધનના તહેવાર ટાણે જ આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા 35 થી વધુ કર્મચારીઓએ મંગળવારે નવસારી મહાનગરપાલિકા કચેરીએ પહોંચી મેયર અને કારોબારી સમિતિ સમક્ષ આક્રોશ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. પાંચથી વધુ મહત્વના વિભાગોનો પગાર અટવાયો શહેરમાં પૂર ઓસર્યા બાદ કાદવ-કીચડની સફાઈમાં રાત-દિવસ એક કરનાર શ્રમિકોનો જ પગાર અટવાતાં સ્થિતિ કફોડી બની છે. જે વિભાગોના કર્મચારીઓ વંચિત રહ્યા છે તેમાં માઇનોર વિભાગ, ડ્રેનેજ અને બાંધકામ શાખા, વોટર વર્ક્સ વિભાગ, ગાર્ડન અને એન્જિનિયરિંગ શાખા તેમજ દબાણ હટાવ વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે. પગાર કાપ અને ઓરમાયા વર્તનનો આક્ષેપ રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ નગરસેવક પિયુષ ઢીમરે પાલિકાના વહીવટ પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે શ્રમિકો સાથે પગારમાં ખુલ્લો અન્યાય થઈ રહ્યો છે; જે કર્મચારીઓ માટે ₹17,500 નક્કી કરાયા હતા તેમને માત્ર ₹12,000 અને ₹12,500 નક્કી કરાયા હતા તેમને ₹10,000 જ ચૂકવીને પાલિકા ઓરમાયું વર્તન દાખવી રહી છે. બે દિવસમાં ચૂકવણી અને કાયમી ઉકેલની ખાતરી આ સમગ્ર મામલે નવસારી પાલિકાના મેયર અશોક ધોરાજીયાએ જણાવ્યું કે એજન્સીઓ સમયસર બિલ રજૂ ન કરે ત્યારે પાલિકા પર વાંક કાઢવો યોગ્ય નથી. તેમણે ખાતરી આપી હતી કે આગામી 2 દિવસમાં તમામ કર્મચારીઓનો બાકી પગાર ચૂકવી દેવાશે. ઉપરાંત, આગામી સમયમાં તમામ શ્રમિકોને દર મહિનાની 10 તારીખ સુધીમાં નિયમિત પગાર મળે તેવી કાયમી વ્યવસ્થા કરવા કારોબારી ચેરમેન મુકેશ અગ્રવાલને સૂચના આપી દેવાઈ છે.
નવસારી પાલિકા સામે આઉટસોર્સિંગ કર્મચારીઓનો હોબાળો:પૂર કામગીરી કરનાર કર્મચારીઓ પગારથી વંચિત; તહેવાર ટાણે આર્થિક સંકડામણથી કર્મચારીઓમાં આક્રોશ
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
