મનપાએ રેલવે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને 1 લાખનો દંડ ફટકાર્યો:લાલબાગ બ્રિજ નીચે ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી, શ્રમિકો કામચલાઉ આશ્રય બનાવીને રહ્યા હતા

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

વડોદરાના લાલબાગ બ્રિજ નીચે ફેલાયેલી અસહ્ય ગંદકી અને નિયમોના ભંગ બદલ વડોદરા મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. લાંબા સમયથી લાલબાગ બ્રિજ નીચે રેલવેના ચાલતા એક પ્રોજેક્ટમાં કામ કરતા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ અને શ્રમિકો કામચલાઉ આશ્રય બનાવીને રહી રહ્યા હતા. આ કર્મચારીઓ દ્વારા બ્રિજ નીચેના જાહેર વિસ્તારમાં મોટા પાયે કચરો અને ગંદકી ફેલાવવામાં આવતી હતી, જેના કારણે સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો. મહાનગરપાલિકાના આરોગ્ય અને ઘન કચરા વ્યવસ્થાપન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરી હતી. સ્થળ પરની પરિસ્થિતિની ગંભીરતા જોઈને વડોદરા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ આ ગંભીર બેદરકારી બદલ સંબંધીત રેલવે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને સ્થળ પર જ રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જાહેર માર્ગો અને બ્રિજ નીચે કોઈપણ પ્રકારની અસ્વચ્છતા ચલાવી લેવામાં આવશે નહીં. જાહેર સ્થળો પર ગંદકી ફેલાવશો તો કાર્યવાહી થશે
કોર્પોરેશને દંડ ફટકારવાની સાથે સાથે સંબંધિત કોન્ટ્રાક્ટરને બ્રિજ નીચે તાત્કાલિક સફાઈ કરીને વિસ્તારને મૂળ સ્થિતિમાં લાવવા માટે કડક આદેશો આપ્યા છે. આ કાર્યવાહીથી શહેરના અન્ય વિકાસલક્ષી કામો કરી રહેલા કોન્ટ્રાક્ટરોમાં પણ મોટો ફાળ પડ્યો છે. મહાનગરપાલિકાએ તમામ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોને ચીમકી આપી છે કે જો તેઓના શ્રમિકો કે કામગીરીના કારણે જાહેર સ્થળો પર ગંદકી ફેલાશે તો આગામી સમયમાં આનાથી પણ વધુ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની ઝુંબેશ અંતર્ગત વડોદરા કોર્પોરેશનનું આ કડક વલણ અન્ય વિસ્તારોમાં પણ ગંદકી કરનારાઓ માટે લાલબત્તી સમાન સાબિત થશે. સીએમની ટકોર બાદ તંત્ર વધુ સાબદુ
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાને ગ્રાન્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાએ સ્વચ્છતા જાળવવી જ પડશે. તમામ સંસ્થાઓ પાસે એટલા પૈસા તો છે જ કે તેઓ સ્વચ્છતા રાખી શકે. ‘જે સ્વચ્છતા નહીં રાખે તેની ગ્રાન્ટ બંધ કરી દો’
આ ઉપરાંત તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, જે સ્વચ્છતા નહીં રાખે તેની ગ્રાન્ટ બંધ કરી દો. આ ટકોર બાદ વડોદરા મહાનગરપાલિકા પણ વધુ કડક કાર્યવાહી કરી રહ્યું છે. તમામ વોર્ડમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે હવે જે ગંદકી ફેલાવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ કોલ આપવામાં આવ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *