દાહોદ શહેરમાં રૂ.20 લાખના ચેક બાઉન્સ કેસમાં દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે અગ્રવાલ ટ્રેડર્સના પ્રોપરાઇટર જયેશ રામગોપાલ અગ્રવાલને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે આરોપીને રૂ.28.40 લાખનો દંડ ભરવાનો આદેશ કર્યો છે. આ દંડની રકમમાંથી રૂ.28.30 લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટના ચુકાદા મુજબ, ફરિયાદી અવિનાશ જીતેન્દ્રસિંગ અને આરોપી જયેશ અગ્રવાલ વચ્ચે મિત્રતાના સંબંધો હતા. આરોપીને મિલકત ખરીદવા માટે નાણાંની જરૂર હોવાથી તેણે ફરિયાદી પાસેથી રૂ.20 લાખ ઉછીના લીધા હતા. આ રકમ પરત ચૂકવવા માટે આરોપીએ ધી દાહોદ અર્બન કો.ઓ. બેંક લિમિટેડના પોતાના ખાતાનો રૂ.20 લાખનો ચેક ફરિયાદીને આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક 30 ઓક્ટોબર, 2021ના રોજ એક્સિસ બેંક, દાહોદમાં ક્લિયરિંગ માટે જમા કરાવ્યો હતો. જોકે, આરોપીના ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાથી ચેક ‘Funds Insufficient’ના શેરા સાથે પરત ફર્યો હતો. ત્યારબાદ, ફરિયાદીએ પોતાના વકીલ મારફતે 16 નવેમ્બર, 2021ના રોજ આરોપીને રજિસ્ટર્ડ પોસ્ટથી કાયદેસરની નોટિસ પાઠવી હતી, જે 20 નવેમ્બર, 2021ના રોજ બજેલી હતી. નોટિસ મળ્યા બાદ આરોપીએ પોતાના વકીલ મારફતે જવાબ આપ્યો હતો, પરંતુ ફરિયાદીના જણાવ્યા મુજબ ચેકની બાકી રકમ ચૂકવવામાં આવી નહોતી. આથી ફરિયાદીએ 22 ડિસેમ્બર, 2021ના રોજ દાહોદની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષે ચેક, બેંક રિટર્ન મેમો, કાનૂની નોટિસ, આર.પી.એ.ડી.ની પાવતી, પોસ્ટની ઓનલાઈન એકનોલેજમેન્ટ અને આરોપીના નોટિસના જવાબ સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આરોપી પક્ષે પોલીસ સ્ટેશનમાં સમાધાન થઈ ગયું હોવાનો બચાવ લીધો હતો, પરંતુ કોર્ટ સમક્ષ તે અંગે કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો નહોતો. કોર્ટે નોંધ્યું કે આરોપી દ્વારા રજૂ કરાયેલ બચાવ અસ્પષ્ટ, અપૂરતો અને વિશ્વાસપાત્ર ન હોવાનું જણાયું હતું. કોર્ટના મતે, ચેક આરોપીના ખાતાનો હોવા અને તેની સામે યોગ્ય બચાવ પુરવાર ન થવાથી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 139 હેઠળ ફરિયાદીની તરફેણમાં કાયદાકીય અનુમાન ઊભું થાય છે. કોર્ટે તમામ મૌખિક અને દસ્તાવેજી પુરાવાનું મૂલ્યાંકન કર્યા બાદ આરોપી સામે કલમ 138નો ગુનો શંકાથી પર પુરવાર થયો હોવાનું ઠરાવ્યું હતું. ત્યારબાદ સજાના તબક્કે બંને પક્ષોની રજૂઆત સાંભળવામાં આવી હતી. કોર્ટે 19 ઓગસ્ટ, 2026ના રોજ ચુકાદો જાહેર કરી 1 વર્ષની સાદી કેદ તથા રૂ.28.40 લાખના દંડનો આદેશ કર્યો હતો. જો દંડ ન ભરવામાં આવે તો વધુ 3 માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. સાથે જ, અપીલના સમયગાળા માટે આરોપીને રૂ.10,000ના જામીન આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
ચેક બાઉન્સ કેસમાં વેપારીને 1 વર્ષની સજા:દાહોદ કોર્ટે રૂ.28.40 લાખનો દંડ, ફરિયાદીને વળતર ચૂકવવા આદેશ કર્યો
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
