Ahmedabad News : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પંજાબના બટાલા ફાયરિંગ કેસનો આરોપી સુખપિન્દર સિંહ પાલનપુરથી ઝડપાયો

📅 Published: August 25, 2026 | 📂 Category: Ahmedabad

પંજાબના બટાલા ખાતેના સેખવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ચર્ચાસ્પદ ફાયરિંગ કેસમાં વોન્ટેડ મુખ્ય આરોપી સુખપિન્દર સિંહ ઉર્ફે સુખીને ગુજરાત ATS (ATS) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત ATS ને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પાલનપુર વિસ્તારમાં છુપાયો છે. બાતમીના આધારે પોલીસે પાલનપુરની હોટલ સુંદરા ખાતે વોચ ગોઠવીને સુખપિન્દર સિંહને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો અને તેને વધુ તપાસ અર્થે અમદાવાદ ATS કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.

જગુ ભગવાનપુરિયા ગેંગ સાથે કનેક્શન

ATS ની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી સુખપિન્દર સિંહ કુખ્યાત ‘જગુ ભગવાનપુરિયા ગેંગ’ સાથે સંકળાયેલો છે. આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે 20 જુલાઈ 2026ના રોજ પોતાના સાગરીતો સાથે મળીને બટાલામાં લાયસન્સવાળી 30-06 રાઇફલથી ફાયરિંગ કર્યું હતું, જે હથિયાર તેણે પોતાના સગાને સોંપી દીધું હતું. ફાયરિંગની ઘટના બાદ તે પંજાબથી ભાગીને હરિયાણા, દિલ્હી, હૈદરાબાદ અને નાંદેડ થઈને આશરો લેવા માટે પાલનપુર પહોંચ્યો હતો.

ગંભીર ગુનાહિત ઇતિહાસ

પકડાયેલા આરોપી સુખપિન્દર સિંહ સામે પંજાબ અને ગુજરાતમાં હત્યાનો પ્રયાસ, ફાયરિંગ, આર્મ્સ એક્ટ અને એનડીપીએસ (NDPS) સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત તે વર્ષ 2021માં દુબઈમાં ડ્રગ્સ/આઈસ (ICE)ના કેસમાં 9 મહિના જેલની સજા પણ ભોગવી ચૂક્યો છે. ગુજરાત ATS દ્વારા આરોપીની અટકાયત અંગે પંજાબ પોલીસને વિધિવત જાણ કરી દેવામાં આવી છે અને બટાલા કેસમાં આગળની કાર્યવાહી માટે તેને પંજાબ પોલીસને સોંપવાની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

આ પણ વાંચો : Ahmedabadના રાણીપમાં હેર સલૂનમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 1.15 લાખના ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *