સુરતમાં મિઠાઈના વેપારીઓ પર પાલિકાના દરોડા:રક્ષાબંધન પૂર્વે 10 ટીમો ફિલ્ડમાં ઉતરી, 24 કેરેટ, સુમુલ અને ચોર્યાસી ડેરી સહિતના સેમ્પલ લેબમાં મોકલાયા

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સતત બીજા દિવસે સપાટો બોલાવવામાં આવ્યો છે. ગઈકાલે સેન્ટ્રલ ઝોન સહિતના વિવિધ વિસ્તારોમાં હોલસેલમાં માવાનું વેચાણ કરતા 15 જેટલા એકમો પર તપાસ હાથ ધર્યા બાદ, આજે(25 ઓગસ્ટ) વહેલી સવારથી જ શહેરભરમાં મિઠાઈનું વેચાણ કરતા જાણીતા એકમો અને ડેરીઓ પર દરોડાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 10 ટીમો બનાવી તમામ ઝોનમાં તપાસ શરૂ
શહેરમાં શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મિઠાઈઓનું વેચાણ થાય તે હેતુથી પાલિકા દ્વારા ખાસ 10 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા સેન્ટ્રલ ઝોન, અઠવા ઝોન, કતારગામ ઝોન તેમજ વરાછા અને રાંદેર ઝોન સહિતના તમામ વિસ્તારોમાં વહેલી સવારથી જ સામૂહિક તપાસ શરૂ કરવામાં આવી હતી. બપોર સુધીમાં 8થી વધુ મોટા મિઠાઈ વિક્રેતાઓને ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરી નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. 24 કેરેટ, મોહન મિઠાઈથી લઈને સુમુલ ડેરી સુધી સેમ્પલિંગ
આરોગ્ય વિભાગની ટીમોએ રાંદેર ઝોનમાં 24 કેરેટ, બાબુભાઈ, મોહન મિઠાઈ, મોતી હરજી અને ઠાકોરની મિઠાઈ જેવા જાણીતા સ્ટોર્સમાં તપાસ કરી હતી. આ ઉપરાંત ઘોડદોડ રોડ પર શિવશક્તિ તેમજ રાંદેર ઝોનમાં વિજય ડેરી સહિત સહકારી ક્ષેત્રની અગ્રણી ચોર્યાસી ડેરી અને સુમુલ ડેરીમાંથી પણ મિઠાઈના અલગ-અલગ સેમ્પલો લેવામાં આવ્યા હતા. સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા
પાલિકાની ટીમો દ્વારા એકત્રિત કરવામાં આવેલા તમામ મિઠાઈના સેમ્પલોને તાત્કાલિક પૃથક્કરણ અને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટીના નિયમો અનુસાર આ તમામ સેમ્પલોનો ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ પણ પ્રકારની ભેળસેળ કે ક્ષતિ જણાશે તો સંબંધિત પેઢી કે સંચાલકો સામે કડક નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *