ખેરલાવમાં નિઃશુલ્ક ચેસ્ટ એક્સ-રે કેમ્પ યોજાયો:65 ગ્રામજનોએ આરોગ્ય તપાસનો લાભ લીધો

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ જિલ્લાના પારડી તાલુકાની ખેરલાવ ગ્રામ પંચાયત કચેરી ખાતે નિઃશુલ્ક ચેસ્ટ એક્સ-રે સહિતના આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરલાવ ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં ૬૫ જેટલા ગ્રામજનોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. ગ્રામજનોને ઘરઆંગણે જ જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે અને ગંભીર બીમારીઓનું સમયસર નિદાન થઈ શકે તે મુખ્ય હેતુ હતો. કેમ્પ દરમિયાન ચેસ્ટ એક્સ-રે ઉપરાંત બ્લડ પ્રેશર અને સુગર સહિતની વિવિધ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના તબીબો અને આરોગ્યકર્મીઓએ લાભાર્થીઓની જરૂરી તપાસ કરી તેમને આરોગ્ય અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સામાન્ય રીતે સમયસર ધ્યાનમાં ન આવતી આરોગ્ય સંબંધિત સમસ્યાઓની વહેલી તકે ઓળખ થાય તે માટે આવી તપાસનું મહત્વ પણ ગ્રામજનોને સમજાવવામાં આવ્યું હતું. ગામના લોકોના આરોગ્યને પ્રાથમિકતા આપવા બદલ ખેરલાવ ગ્રામ પંચાયતના સરપંચ મયંક પટેલની પહેલ અને આગેવાનીની પ્રશંસા કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ વચ્ચેના સંકલનના પરિણામે ગ્રામજનોને પોતાના ગામમાં જ વિવિધ આરોગ્ય તપાસની સુવિધા મળી શકી હતી. આ પ્રસંગે સરપંચ મયંક પટેલે જણાવ્યું હતું કે, ગામના વિકાસની સાથે ગ્રામજનોનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે. લોકો સુધી જરૂરી આરોગ્ય સુવિધા સરળતાથી પહોંચે તે માટે આવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવશે. તેમણે કેમ્પના સફળ આયોજન બદલ આરોગ્ય વિભાગના તબીબો, કર્મચારીઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *